Damanganga Times.

Damanganga Times.

August 10, 2026

ખારવેલમાં ૫૬ નિવૃત્ત અધિકારી-કર્મીઅોનું સન્માન કરાયું

ખારવેલમાં ૫૬ નિવૃત્ત અધિકારી-કર્મીઅોનું સન્માન કરાયું


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૦૯ ઃ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે ધરમપુર તાલુકાના ખારવેલ ગામે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા અનોખી અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી. ગામમાં પ્રથમ વખત સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા ૫૬ અધિકારી-કર્મચારીઓનું આદિવાસી પરંપરા અને સંસ્કૃતિ સાથે સન્માન કરવામાં આવ્યું હતું.
ખારવેલ પ્રાથમિક શાળાના પટાંગણમાં યોજાયેલા કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના યુવાધનને શિક્ષણ તરફ પ્રેરિત કરવાનો તેમજ સરકારી નોકરી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વધુમાં વધુ આદિવાસી યુવાનો આગળ આવે તે માટે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજના મોટિવેશનલ સ્પીકર અને ખેડૂત જીતુભાઈ પટેલે યુવાનોને ડો. બાબાસાહેબ આંબેડકરના શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના જીવનમંત્રને આત્મસાત કરવા આહવાન કર્યું હતું. તેમણે નવી પેઢીને શિક્ષણને પ્રાથમિકતા આપી ઉજ્જવળ ભવિષ્ય બનાવવાની સાથે જ જંગલ અને પ્રકૃતિના સંરક્ષણ માટે પણ જાગૃત બનવા અપીલ કરી હતી.૫૬ નિવૃત્ત
અધિકારી-કર્મચારીઓનું તૂર અને થાળી સહિતના પરંપરાગત આદિવાસી વાદ્યોના તાલે સ્વાગત કરી આદિવાસી પહેરવેશ સાથે સન્માન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓઍ પણ નવી પેઢીને આદિવાસી સંસ્કૃતિ, રીત-રિવાજ, પરંપરાગત પહેરવેશ અને વાદ્યોના વારસાને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. ગામના આગેવાન હસમુખભાઈ પટેલ અને ગામના યુવાનોની ટીમ દ્વારા આયોજિત આ કાર્યક્રમને કારણે ખારવેલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માત્ર સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતા શિક્ષણ, રોજગાર અને સમાજના સર્વાંગી વિકાસ માટે પ્રેરણારૂપ બની હતી.