વલસાડમાં કૈલાશ રોડ પર કાદવથી બાઇક સ્લીપ થતાં ટેક્ટર સાથે અથડાઈ
- byDamanganga Times
- 06 August, 2026
વલસાડ, તા. ૫ ઃ વલસાડ શહેરના કૈલાશ રોડ પર આવેલી સ્મશાનભૂમિ બહાર બિસ્માર રસ્તા અને કાદવ-કીચડના કારણે આજે ઍક ભયાનક અકસ્માત સર્જાયો હતો. ખરાબ રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઇક અચાનક સ્લીપ થઈ જતાં, પાછળથી આવી રહેલા ટ્રેક્ટર સાથે ધડાકાભેર ભટકાઈ હતી. આ દુર્ઘટનામાં બાઇકચાલકને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
વલસાડ શહેરના કૈલાશ રોડ સ્મશાનભૂમિ નજીકના રસ્તા પર પડેલા કાદવ-કીચડ અને ખાડાઓના કારણે વાહનચાલકો માટે પસાર થવું મુશ્કેલ બની ગયું છે. દરમિયાન, અહીંથી પસાર થઈ રહેલા ઍક બાઇકચાલકનું વાહન કાદવમાં સ્લીપ થઈ ગયું હતું. બાઇકચાલક નીચે ફેંકાઈ જતાં જ પાછળથી પૂરઝડપે આવી રહેલું ટ્રેક્ટર તેની સાથે ભટકાયું હતું.
અકસ્માતનો ભારે અવાજ થતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને રસ્તા પરથી પસાર થતા લોકોના તોળાં ઘટનાસ્થળે ભેગા થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.બિસ્માર રસ્તા અને કાદવ-કીચડના સામ્રાજ્યને કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્ના હોવાથી સ્થાનિકોમાં નગરપાલિકા અને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્ના છે. સ્મશાનભૂમિ જેવા સંવેદનશીલ સ્થળ બહાર જ રસ્તાની આવી દુર્દશા હોવાથી તંત્ર વહેલી તકે આ કાદવ-કીચડનો નિકાલ કરે અને રસ્તાનું સમારકામ હાથ ધરે તેવી લોકમાંગ ઊઠી છે.
