Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

ફણસામાં બ્લેક ટ્રેપ ખનન પ્રોજેકટની સુનાવણી બાદ સુચનો સરકારને મોકલાશે

ફણસામાં બ્લેક ટ્રેપ ખનન પ્રોજેકટની સુનાવણી બાદ સુચનો સરકારને મોકલાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૫ ઃ ફણસા ગામ ખાતે પ્રસ્તાવિત બ્લેક ટ્રેપ ખનન પ્રોજેક્ટ અંગે આજે જાહેર સુનાવણી યોજાઈ હતી. સુનાવણીમાં સ્થાનિક ધારાસભ્ય, ગ્રામજનો, વિવિધ ગામોના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકોઍ હાજરી આપી હતી. જાહેર સુનાવણી દરમિયાન લોકો દ્વારા ખનન પ્રોજેક્ટને લઈને અનેક પ્રશ્નો અને ચિંતાઓ રજૂ કરવામાં આવી હતી.સુનાવણીમાં ઉપસ્થિત ગ્રામજનોઍ મુખ્યત્વે પ્રદૂષણમાં વધારો, ખાણકામ માટે ભારે વાહનોની અવરજવરથી ગામના રસ્તાઓને થનાર નુકસાન, ભૂગર્ભ જળનું સ્તર નીચે જવાની સંભાવના, ખેતી અને પર્યાવરણ પર થનારી અસર, ધૂળની સમસ્યા, અવાજ પ્રદૂષણ તેમજ સ્થાનિક લોકોના આરોગ્ય અને જીવન પર પડનારી અસરો જેવા મુદ્દાઓ ઉઠાવ્યા હતા. ગ્રામજનોઍ જણાવ્યું હતું કે વિકાસની સાથે પર્યાવરણ અને લોકોના હિતનું પણ સમાન રીતે રક્ષણ થવું જોઈઍ.
સુનાવણી દરમિયાન સંબંધિત કંપનીના પ્રતિનિધિઓઍ લોકો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબ રજૂ કર્યા હતા અને પ્રોજેક્ટ અંતર્ગત પર્યાવરણના નિયમોનું પાલન, પ્રદૂષણ નિયંત્રણ તથા જરૂરી સુરક્ષા પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. અધિકારીઓઍ સ્પષ્ટ કર્યું હતું કે જાહેર સુનાવણી દરમિયાન રજૂ થયેલા તમામ વાંધા, સૂચનો અને પ્રશ્નોની સત્તાવાર નોંધ (મિનિટ્સ) તૈયાર કરવામાં આવશે. આ નોંધ સાથે કંપનીના જવાબો અને સમગ્ર કાર્યવાહીનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકાર અને સંબંધિત વિભાગને મોકલવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ સરકાર જાહેર સુનાવણીનો સંપૂર્ણ અહેવાલ, લોકોના વાંધા-સૂચનો, કંપની દ્વારા આપવામાં આવેલા જવાબો તેમજ સંબંધિત વિભાગોના અભિપ્રાયોનો અભ્યાસ કર્યા બાદ જ બ્લેક ટ્રેપ ખનન પ્રોજેક્ટ અંગે અંતિમ નિર્ણય અને મંજૂરી આપશે. જાહેર સુનાવણી દરમિયાન સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોઍ પોતાના અભિપ્રાયો ખુલ્લેઆમ રજૂ કરીને પર્યાવરણ અને સ્થાનિક હિતોને પ્રાથમિકતા આપવા માંગણી કરી હતી.