Damanganga Times.

Damanganga Times.

August 06, 2026

સલવાવનો બાપા સીતારામ આશ્રમ

સલવાવનો બાપા સીતારામ આશ્રમ


 વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ-દાદરા નગર હવેલીના હજારો ભક્તો માટે સલવાવ હાઈવે નજીક આવેલું બાપા સીતારામ આશ્રમ આજે આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બની ગયું છે. લોકો તેને મીની બગદાણૉના નામથી પણ ઓળખે છે.
વર્ષ ૨૦૦૩માં સૌરાષ્ટ્રના બે યુવક પરબતભાઈ આહીર, રામજીભાઈ ટાંક અને સુભાષભાઈ પટેલને પૂજ્ય બજરંગદાસ બાપાની મઢી સ્થાપવાનો વિચાર આવ્યો. ૫૦-૬૦ ભક્તો સાથે તેઓ બગદાણા જઈને આશીર્વાદ લઈ આવ્યા અને સલવાવ ખાતે નાની મઢી બનાવી પૂજા શરૂ કરી. શરૂઆતમાં ભક્તોને ચોકલેટ અને બુંદી-ગાંઠિયાનો પ્રસાદ આપવામાં આવતો. સમય જતાં દર પૂનમે ૨૫૦-૩૦૦ લોકો માટે ભંડારો શરૂ થયો.ભક્તોની આસ્થા વધતા માયાભાઈ આહીર અને ફરીદા મિરના ડાયરાનું આયોજન થયું. તેમાંથી મળેલા દાન થકી આશ્રમ માટે જમીન ખરીદવામાં આવી. જમીન માલિકોઍ પણ બાપા માટે અડધી કિંમતે જમીન આપી. આજે ભક્તોના સહયોગથી આશરે ૪.૫ ઍકર જમીન આશ્રમ માટે ઉપલબ્ધ છે. દર પૂનમે હવે ૧૦ થી ૧૫ હજાર ભક્તો દર્શન અને મહાપ્રસાદ માટે ઉમટે છે. અહીં તુલસીવિવાહનો કાર્યક્રમ પણ ભવ્ય રીતે ઉજવાય છે. જેમાં માલધારી સમાજ દ્વારા વિશાલ જાન કાઢવામાં આવે છે અને શાસ્ત્રોક્ત વિધિ પૂર્વક ભગવાન શાલીગ્રામ અને તુલસી માતાનો પ્રસંગ ઉજવાય છે, આ પ્રસંગે માલધારી સમાજ ટન બાંધી શેરડીનો પ્રસાદ વહચે છે, આ ઉત્સવમાં પણ ૧૫ થી ૨૦ હજાર ભકતો જોડાય છે.
આ વર્ષે માર્ચ ૨૦૨૬માં મંદિરની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ૪ દિવસ ઉજવાયો. ૫ માર્ચે નગરયાત્રા, ૬ માર્ચે પ્રાણપ્રતિષ્ઠા અને લોકડાયરો, ૭ માર્ચે સુંદરકાંડ-પાઠ અને ૮ માર્ચે મૂર્તિ સ્થાપના, ઠાકર જ્યોત અને સંતવાણી યોજાઈ. જયપુરથી લાવવામાં આવેલી પૂજ્ય બજરંગદાસ બાપા, રામ-લક્ષ્મણ-જાનકી અને હનુમાનજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી હતી.