Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

વલસાડના ફુટપાથો પરથી મૂકેલા સ્ટેચ્યુ અને બોર્ડ હટાવાયા

વલસાડના ફુટપાથો પરથી મૂકેલા સ્ટેચ્યુ અને બોર્ડ હટાવાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૪ ઃ વલસાડ શહેરના મુખ્ય વેપારી વિસ્તારો જેવા કે ઍમ.જી. રોડ, આઝાદ ચોક, નાની ખત્રીવાડ અને સ્ટેડિયમ રોડ પર દુકાનદારો દ્વારા રસ્તા પર મૂકવામાં આવતા સ્ટેચ્યુ, જાહેરાતના બોર્ડ અને અન્ય સામાનને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ રહી હતી. દુકાન બહારના દબાણોના લીધે વાહનચાલકોને રસ્તા પર જ વાહનો પાર્ક કરવાની ફરજ પડતી હતી, જે વલસાડ નગરપાલિકા અને ટ્રાફિક પોલીસ માટે લાંબા સમયથી માથાનો દુખાવો બની ગયું હતું. આજરોજ વલસાડ નગરપાલિકાની બાંધકામ શાખા અને ઍનક્રોચમેન્ટ  ટીમ દ્વારા સંયુક્ત રીતે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નગરપાલિકાની ટીમે ટાવર વિસ્તારથી લઈને ખત્રીવાડ સુધીના માર્ગ પર ઓચિંતું દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન રસ્તા પર અડચણરૂપ મુકાયેલા સ્ટેચ્યુ, સાઇનબોર્ડ અને અન્ય અસ્થાયી દબાણો જ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. પાલિકાની આ અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી. નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ બાદ સ્થાનિક વેપારીઓના મંડળ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર ને  મળીને રજૂઆત કરવામાં આવી હતી. વેપારીઓઍ પોતાની સમસ્યાઓ અને વેપાર પર પડતી અસર અંગે ચર્ચા કરી યોગ્ય ઉકેલ લાવવા માંગ કરી હતી.
નગરપાલિકા તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માર્ગો પર ટ્રાફિક સુચારૂ રીતે ચાલે અને વાહનચાલકો તથા રાહદારીઓને તકલીફ ન પડે તે માટે આગામી દિવસોમાં પણ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.