ડુંગરામાં સગીરને માર મારી હાથ ભાંગી નાખ્યો
- byDamanganga Times
- 05 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ ડુંગરા કોલોની પરીવાર ઍપાર્ટમેન્ટમાં લપોટી રમવા બાબતે થયેલા ઝઘડામાં ઍક વ્યક્તિઍ બે સગીર ભાઈઓને માર મારતા ઍકના હાથનું હાડકું ફ્રેક્ચર થયું હોવાની ફરિયાદ ડુંગરા પોલીસમાં નોંધાઈ છે.
ફરિયાદી સોહેલ ઈબ્રાહર ખાન રહે. ડુંગરા કોલોની પરીવાર ઍપાર્ટમેન્ટ સી-બિલ્ડિંગ, વાપીઍ જણાવ્યું કે તા.૨૫/૦૭/૨૦૨૬ના રોજ સાંજે ૪ વાગ્યાના સુમારે તેમનો ૧૩ વર્ષનો દીકરો અરબાજ બિલ્ડિંગ નીચે અન્ય છોકરાઓ સાથે લપોટી રમતો હતો. તે જ સમયે બી-બિલ્ડિંગમાં રહેતા આસીફ અલી અંસારીઍ અરબાજને લપોટી ન રમવાની ના પાડી અને આગળ રમશે તો મારી નાખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ પણ અરબાજ અન્ય બાળકો સાથે રમતો હતો ત્યારે આસીફ અલી અંસારીઍ આવીને તેને જમણા હાથના ખભા, માથાની ડાબી બાજુ અને કાન ઉપર ઢીક મુક્કીનો માર માર્યો હતો. વચ્ચે છોડાવવા ગયેલા નાના ભાઈ સોયબ ઉ.વ.૧૧ને પણ તેણે માર માર્યો હતો. ઘટના બાદ સારવાર માટે અરબાજને વાપીની સેલ્બી હોસ્પિટલ અને બાદમાં નમો હોસ્પિટલ સેલવાસમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં ફરજ પરના ડોક્ટરે જમણા હાથના ખભામાં ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું હતું.
આ મામલે ફરિયાદી સોહેલ ખાને આસીફ અલી અંસારી વિરુદ્ધ મારામારી અને ગાળો આપવાની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
