Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

વાઘરેચ ટાઇડલ ડેમના પાળાઓ ભયાનક પૂરની સ્થિતિ માટે કારણભૂત હોવાની ચર્ચા

વાઘરેચ ટાઇડલ ડેમના પાળાઓ ભયાનક પૂરની સ્થિતિ માટે કારણભૂત હોવાની ચર્ચા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૦૪ ઃ બીલીમોરા નજીક વાઘરેચ ગામે કાવેરી નદી પર નવનિર્મિત ટાઇડલ ડેમ અને તેના રક્ષણાત્મક પાળાઓ સ્થાનિક નીચાણવાળા વિસ્તારો માટે વરદાનને બદલે અભિશાપ સાબિત થઈ રહ્ના છે. જેને પગલે મંગળવારે સ્થાનિક રહીશો દ્વારા પાલિકા સમક્ષ આ પાળાઓની નીતિ અને પૂર નિયંત્રણ અંગે યોગ્ય ઉકેલ લાવવા રજૂઆત કરવામાં આવી છે.
વાઘરેચ અને ગોંયદી-ભાઠલા સાઈડ નદીની બંને બાજુઍ ૨૫ ફૂટથી વધુ ઊંચાઈના વિશાળ પાળાઓ બનાવવામાં આવ્યા છે. આ પાળાઓને કારણે અમુક ચોક્કસ ગામોને પૂર સામે રક્ષણ જરૂર મળ્યું છે, પરંતુ સામે પક્ષે બીલીમોરા શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારો માટે ડૂબનું મોટું સંકટ ઊભું થયું છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા ૨૦૦ વર્ષના ઇતિહાસમાં આ વિસ્તારમાં ક્યારેય ઘરોમાં ૨ ફૂટથી વધુ પાણી પ્રવેશ્યા નહોતા. પરંતુ નદીના કુદરતી પ્રવાહ વિરુદ્ધ બનાવાયેલા આ ઊંચા પાળાઓને લીધે, નદીમાં પાણીનું સ્તર વધતાં જ પાણી અત્યંત વેગથી નીચાણવાળા વિસ્તારો તરફ વળે છે.
જ્યાં પાળા પૂરા થાય છે તે બીલીમોરા જમનાનગર સોસાયટી આગળથી નદીનું પાણી સૌથી પહેલાં ગાબડું પાડીને શહેરમાં પ્રવેશે છે. જેમાં જમનાનગર, શિવ શક્તિ, ચાંદની ચોક, શ્યામ નગર, રત્નાકર સોસાયટી અને શાંતિનગર ટાઉનશીપ મોખરે છે. વાઘરેચ નાઇકીવાડ, શામલા ફળિયા, મેમણ કોલોની, કુંભારવાડ, નાળિયેરી ચાલ, ઓરીયા મોરિયા, બાંગીયા ફળિયા તથા ભાઠા ફળિયા, રામજી મંદિર વિસ્તાર (દેસરા), દેસરા ભાઠા ફળિયા, ઉંડાચ ગામના અનેક ફળીયા, ચીખલી તાલુકાના ઘેકટી તેમજ કાવેરી-ખરેરા નદી નજીકના વિસ્તારો પ્રભાવિત થઈ રહ્નાં છે. ડેમ અને પાળા ઓના કારણે પરિસ્થિતિ ઍટલી વિકટ બની છે કે સામાન્ય વરસાદમાં પણ ૩ થી ૪ ફૂટ પાણી ભરાઈ જાય છે. તાજેતરમાં આવેલા પૂર દરમિયાન તો અનેક ઘરોમાં ૭ થી ૧૨ ફૂટ સુધી પાણી ફરી વળતા લોકોના ઘરવખરી અને મિલકતોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના પાકને પણ મોટો ફટકો પડ્યો છે. બીજી તરફ ડ્રેનેજ વિભાગ ઍ પાળા ઓનું સમારકામ હાથ ધર્યું હતું. જમનાનગર પાસે શહેરનું કાવેરી નદી માં પાણી ન જતું નથી. પરંતુ ત્યાંથી કાવેરી નદી નું પાણી દબાણ સાથે ઓરિયમોરા તરફ વહે છે.તે શહેરમાં ફરી વળે છે. આ ઉલટો પ્રવાહ રોકવા પાળા નું સમારકામ જરૂરી છે.