Damanganga Times.

Damanganga Times.

August 05, 2026

વાપી પંથકમાં પૂરના ૧૦ દિવસ બાદ પણ અનેક પરિવારોની હાલત યથાવત

વાપી પંથકમાં પૂરના ૧૦ દિવસ બાદ પણ અનેક પરિવારોની હાલત યથાવત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૪ ઃ ગત ૨૩ જુલાઈના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાત તેમજ વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદ અને મધુવન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડવામાં આવેલા અંદાજે ચાર લાખ ક્યુસેક પાણીના કારણે વાપી ની દમણગંગા, દારોઠા, કોલક, બિલખાડી સહિત વલસાડ–પારડી પંથકની નદીઓમાં વિકરાળ પૂર આવ્યું હતું. જેના પગલે નદીકાંઠાના અનેક રહેણાંક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા.
પૂરના કારણે અનેક પરિવારોના ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની કિંમતી ચીજવસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું હતું. પૂર દરમિયાન અનેક સેવાભાવી સંસ્થાઓ, ઍનજીઓ અને વિવિધ સામાજિક સંગઠનો રાહત અને બચાવ કામગીરી માટે આગળ આવ્યા હતા.
જોકે, સ્થાનિક લોકોમાં ઍવી ચર્ચા ચાલી રહી છે કે દમણગંગા નદીકાંઠાના ઉમરગામ તાલુકાના બોરી, કચ્છીગામ, વલવાડા, કરમબિલ્લી, નાહોલી, પુનાટ સહિત વાપીના કેટલાક વિસ્તારોમાં મદદ અપાઈ પરંતુ જેમને જરૂરી છે તેઓને સહાય મળી નથી જેવા કે ભારે નુકસાન છતાં પૂરતી રાહત સામગ્રી અને સેવા પહોંચી ન હતી. પરિણામે અનેક અસરગ્રસ્ત પરિવારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્ના છે.
ભારે વરસાદ અને પૂરને દસ દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં અનેક પરિવારો હજુ પણ સામાન્ય જીવન તરફ પરત ફરી શક્યા નથી. નુકસાનગ્રસ્ત ઘરોની સફાઈ, ઘરવખરીની પુનઃવ્યવસ્થા અને રોજિંદા જીવનને ફરી ગતિ આપવા લોકો સતત સંઘર્ષ કરી રહ્ના છે. સ્થાનિકોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં વધુ અસરકારક રાહત અને પુનર્વસન સહાય વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી પહોંચાડવામાં આવે તેવી માંગ થઈ રહી છે.
પૂર બાદ ૧૦ દિવસ બાદ પણ અનેક પરિવારો સામાન્ય જીવન તરફ ફરી શકયા નથી.