Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વલસાડમાં પૂર પીડિત વિદ્યાર્થીઓને દેસાઈ પરિવારે શૈક્ષણિક કીટ વિતરણ કરી

વલસાડમાં પૂર પીડિત વિદ્યાર્થીઓને દેસાઈ પરિવારે શૈક્ષણિક કીટ વિતરણ કરી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા ૩ ઃ ગત ૨૩મી જુલાઈના રોજ વલસાડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા ભારે હોનારત સર્જાઈ હતી. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો માં ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકોઍ મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. આ આફતમાં અનેક માસુમ વિદ્યાર્થીઓ અને બાળકોના પુસ્તકો, નોટબુક, ચોપડા તથા સ્કૂલ બેગ સહિતની તમામ ચીજવસ્તુઓ પાણીમાં તણાઈ ગઈ હતી અથવા તો પલળીને બેકાર થઈ ગઈ હતી.
વિદ્યાર્થીઓની આ મુશ્કેલી અને અભ્યાસ અટકી પડવાની વિગત જાણવા મળતાં જ વલસાડના નાનકવાડા વિસ્તારના રહીશ સિનિયર રિપોર્ટર ઉત્પલભાઈ દેસાઈ બાળશિક્ષણની મદદ માટે આગળ આવ્યા હતા. ઉત્પલભાઈ અને તેમના પત્ની વૈશાલીબેન દેસાઈ સહિત દેસાઈ પરિવારે તુરંત જ જરૂરિયાતમંદ બાળકોની વિગતો ઍકત્રિત કરી હતી.
ત્યારબાદ વલસાડના તરીયાવડ અને વલસાડ  પારડી વિસ્તારના પૂર અસરગ્રસ્ત ૧૦૦થી વધુ નાના બાળકો તથા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, નોટબુકો, પેન્સિલ સેટ, બોલપેન સેટ વગેરે જેવી જરૂરી શૈક્ષણિક કીટનું  વિતરણ કરવામાં આવ્યું હતું. વહારે આવેલા આ દેસાઈ પરિવારના સેવાકીય કાર્યથી માસુમ બાળકોના ચહેરા પર ફરી ખુશી જોવા મળી હતી. આ  સેવાકીય કાર્યક્રમમાં રાજા ખત્રી, કમલેશ હરિયાવાલા, કૃપાલી હરિયાવાલા, ભીખુભાઈ ભાવસાર, બ્રિજેશ પાંડે તથા દેવેન પટેલ હાજર રહ્ના હતાં અને તેમણે ઉત્સાહપૂર્વક સેવાનો લાભ લીધો હતો.