Damanganga Times.

Damanganga Times.

August 01, 2026

વાંસદામાં ૧૪ કલાકમાં ૧૩.૪ ઈંચ વરસાદ : ૧૭૯ લોકોનું સ્થળાંતર

વાંસદામાં ૧૪ કલાકમાં ૧૩.૪ ઈંચ વરસાદ : ૧૭૯ લોકોનું સ્થળાંતર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાંસદા, તા. ૩૧ ઃ દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને વાંસદા તાલુકામાં સતત ધોધમાર વરસાદ વરસ્યો હતો.
છેલ્લા ૧૪ કલાક દરમિયાન અંદાજે ૧૩.૪ ઇંચ વરસાદ નોંધાતા જનજીવન પર અસર જોવા મળી હતી. ભારે વરસાદને કારણે તાલુકાની નદીઓ, નાળા, ચેકડેમ અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પરિણામે વાંસદા તાલુકાના કુલ ૪૫ જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. અનેક ગામોનો સંપર્ક ખોરવાતા લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ પાણી ભરાયેલા માર્ગો અને કોઝવે પરથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
વાંસદા તાલુકામાં તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧૭૯ લોકોને સુરક્ષિત સ્થળોઍ ખસેડવામાં આવ્યા છે.
ચીખલી અને વાંસદા તાલુકામાં પડેલા ભારે વરસાદને કારણે અનાવલ માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા આ માર્ગ ઉપરથી અવર જવર કરતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાની નોબત આવી છે જ્યારે માધવ તળાવ પાસે પણ પાણી ફરી વળતા આ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે.