વાપી મનપાની સામાન્યસભામાં ઍજન્ડા નહીં મળતાં વિપક્ષનો ભારે વિરોધ
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભા શુક્રવારે પદ્મભૂષણ શ્રી રજ્જુ શ્રોફ ઓડિટોરિયમ ખાતે મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. સભાની શરૂઆતમાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદ દરમિયાન શહેરમાં સર્જાયેલી પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં મેયરે જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓ અને કર્મચારીઓઍ દિવસ-રાત સતત કામગીરી કરીને નાગરિકોને સમયસર રાહત પહોંચાડી હતી.
સભામાં કુદરતી આપત્તિમાં જીવ ગુમાવનાર દિવંગતોને બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વંદે માતરમના ગાન સાથે સભાની ઔપચારિક શરૂઆત થઈ હતી. જેમાં ઍજન્ડા મુજબ ગત ૩૦ જૂનની સામાન્ય સભાની કાર્યવાહી નોંધ તેમજ ૧૦ જુલાઈ અને ૨૩ જુલાઈઍ યોજાયેલી સ્થાયી સમિતિની કાર્યવાહી અને ઠરાવોને બહુમતીથી બહાલી આપવામાં આવી હતી.
આ ઉપરાંત કોર્પોરેશનના સભ્યોના માનદ વેતન અને ભથ્થાઓની મહત્તમ મર્યાદા નક્કી કરવા અંગેની દરખાસ્ત પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી.
સભાના અંતે સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશભાઈ પટેલ અને ડેપ્યુટી મેયર મીતેશભાઈ દેસાઈઍ ભારે વરસાદ દરમિયાન મહા નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓઍ કરેલી નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરના તમામ વોર્ડમાં સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્ત પરિવારોને સરકારની જોગવાઈ મુજબ રાહત મળી રહે તે માટે ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સભાની શરૂઆતમાં વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા દ્વારા સામાન્ય સભાની અજંડાની નહીં મળતા તેઓઍ સભાને માથે લીધી હતી તેમજ અગામી દિવસોમાં સામાન્ય સભા પહેલા તેઓને ઍજન્ડા મોકલી આપવામાં આવશે તેમ જણાવતા સભા આગળ વધી હતી સાથે સભામાં અચાનક ઍક કોંગ્રેસી કાર્યકર્તા શરીર ઉપર પોસ્ટર લગાવી આવી પહોંચતા સભામાં ગરમાટો આવી જવા પામ્યો હતો
આ કાર્યકર્તાઍ પોતાને ઍક મહિના પહેલા માંગેલી કેટલીક વિગતો નહીં મળતા તેમજ વિરોધ પક્ષના નેતાને કેબિન અને વાહન નહીં ફાળવણી કરતા આવી રીતે વિરોધ કરવો પડ્યો હોવાનો જણાવ્યું હતું સભામાં મહાનગરપાલિકાના કમિશ્નર ઍન. ઍફ. ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર કિરણસિંહ રાણા, વિરોધ પક્ષના નેતા પીરમહંમદ મકરાણી, ખંડુભાઈ પટેલ, પાલિકાની વિવિધ સમિતિના ચેરમેન અને ચૂંટાયેલા સભ્યો સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
