ઔરંગા નદી કાંઠાના ગામોમાંથી ૮૦૦નું સ્થળાંતર
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ જિલ્લામાં અવિરત અને ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર દ્વારા ‘રેડ ઍલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં પડી રહેલા અતિ ભારે વરસાદના કારણે ઔરંગા નદીનું જળસ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્નાં હોવાથી જિલ્લા કલેકટર નીતિન સાંગવાન અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત દ્વારા તકેદારીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના લોકોને સલામત સ્થળે વહીવટીતંત્રના આશ્રયસ્થાનોમાં સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે. અત્યાર સુધી અંદાજિત ૮૦૦ જેટલા લોકોનું ભાગડાખુર્દ, ભાગડાવડા, લીલાપોર, ભદેલી જગાલાલા અને કાશ્મીર નગર અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. છેલ્લા ૧૨ કલાકના વરસાદના આંકડા મુજબ, જિલ્લામાં સાર્વત્રિક અને ભારે વરસાદ પડ્યો છે, જેમાં ધરમપુર તાલુકામાં સૌથી વધુ ૨૫૬ મી.મી. અને વલસાડ તાલુકામાં ૧૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વાપીમાં ૩૮ મીમી, ઉમરગામમાં ૧૯ મીમી, પારડીમાં ૧૦૪ મી.મી., નાનાપોંઢામાં ૯૦ મી.મી. અને કપરાડામાં ૮૭ મી.મી. મળી દિવસ દરમ્યાન સરેરાશ જિલ્લાનો વરસાદ ૧૦૪.૮૬ મીમી નોંધવામાં આવ્યો છે.
અતિવૃષ્ટિ અને પાણી ભરાવાની સ્થિતિના કારણે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના કુલ ૧૨૩ રસ્તાઓ હાલ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ બંધ થયેલા રસ્તાઓમાં ૧૨૨ પંચાયત હસ્તકના રસ્તાઓ અને ૧ સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. તાલુકાવાર બંધ રસ્તાઓની વિગત જોઈઍ તો, ધરમપુરમાં સૌથી વધુ ૪૭, વલસાડમાં ૩૬, પારડીમાં ૨૦ અને કપરાડામાં ૧૫ રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી નિતીન સાંગવાન દ્વારા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે અતિ આવશ્યક કામ વગર ઘરની બહાર ન નીકળે અને નદી, નાળા કે ડેમ સાઇટની આસપાસ ન જાય. કોઈપણ પ્રકારની ઈમરજન્સીમાં તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
