ઢાંકવળમાં વન અધિકારની જમીન પર પ્લાન્ટેશન મુદ્દે તપાસની માંગ
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૩૧ ઃ ધરમપુર તાલુકાના માંકડબન વિસ્તારના ઢાંકવળ ગામમાં વન અધિકારની જમીન પર કરવામાં આવેલા અથવા થનારા પ્લાન્ટેશનના મુદ્દે જિલ્લા પંચાયત સભ્ય હિનાબેન નાનુભાઈ દિવા સહિત ગ્રામજનો દ્વારા ધરમપુર પ્રાંત અધિકારી મારફતે વન અધિકારી, વલસાડને લેખિત રજૂઆત કરી કાયદેસરની તપાસ કરવાની માંગ કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે ઢાંકવળ ગામના અનેક આદિવાસી પરિવારો વર્ષોથી જંગલ જમીન પર પરંપરાગત રીતે જીવન નિર્વાહ કરે છે. કેટલાક પરિવારોના વન અધિકાર અધિનિયમ–૨૦૦૬ હેઠળના દાવાઓ મંજૂર થયા છે, જ્યારે કેટલાક દાવાઓ હજુ પ્રક્રિયામાં છે. આવી સ્થિતિમાં ગ્રામસભાની મંજૂરી અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના પ્લાન્ટેશન કરવામાં આવ્યું હોય અથવા થવાનું હોય તો તેની તાત્કાલિક તપાસ કરવી જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. વધુ મા હિનાબેન દિવાઍ પ્લાન્ટેશન કરાયેલી જમીનના સર્વે નંબર, જમીનની કાયદેસર સ્થિતિ, વન અધિકારના દાવા, ગ્રામજનોના પરંપરાગત કબજા તેમજ પ્લાન્ટેશન પહેલાંની મંજૂરી, સર્વે, નકશા અને સંબંધિત દસ્તાવેજોની તપાસ કરવાની માંગ કરી છે. સાથે જ જો કોઈ અધિકારી દ્વારા કાયદાની અવગણના કરી આદિવાસી ગ્રામજનોના અધિકારોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સામે આવે તો જવાબદારો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.
