યુઆઈઍ દ્વારા સંજાણ વિસ્તાર પુરગ્રસ્તોને અનાજ-કીટ વિતરણ
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૧ ઃ ઉમરગામ તાલુકામાં છેલ્લા દિવસોમાં પડેલા રેકોર્ડબ્રેક ૪૨ ઇંચ વરસાદને કારણે ૨૨ જેટલા ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. ઉમરગામ શહેર તેમજ દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક પરિવારોની ઘરવખરી, પશુધન અને મકાનોને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ ડાંગર અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને પણ ભારે આર્થિક ફટકો પડ્યો છે. આ કુદરતી આફત દરમિયાન સરકારી તંત્ર, ચૂંટાયેલા જન-તિનિધિઓ, સેવાકીય સંસ્થાઓ તેમજ ઉદ્યોગકારોઍ અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સરકાર દ્વારા પીડિત પરિવારોને નિયમ મુજબ નાણાકીય સહાય આપવામાં આવી રહી છે, જ્યારે વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કપડાં, અનાજ કીટ અને અન્ય જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્નાં છે. આ જ અનુસંધાને ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના પ્રમુખ અશોકભાઈ ગુા, ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, ટ્રેઝરર રત્નેશ્વર ચૌરસિયા, નોટિફાઇડ ઍરિયા ચેરમેન જીગ્નેશ બારી તથા અન્ય ઉદ્યોગકારોઍ જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ સંજાણ લેપ્રસી કોલોનીમાં સ્થાનિક ગ્રામ પંચાયતના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં અસરગ્રસ્ત પરિવારોને અનાજ કીટનું વિતરણ કર્યું હતું. આ સેવાકીય કામગીરી બદલ સંજાણ ગ્રામ પંચાયતના હોદ્દેદારો તથા ઉમરગામ નગરપાલિકાના પ્રમુખે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન અને ઉદ્યોગકારોનો આભાર વ્યક્ત કરી તેમની કામગીરીને બિરદાવી હતી.
