વલસાડ તાલુકાના ગામોમાં રૂ. ૩.૭૦ કરોડની સહાય ચુકવાઈ
- byDamanganga Times
- 01 August, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડ તાલુકામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ગ્રામીણ વિસ્તારોના લોકો માટે રાહત અને સહાય કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અતિવૃષ્ટિના લીધે ઘરવખરી અને જાનમાલનું નુકસાન ભોગવનારા નાગરિકોની મદદે સરકાર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી સોલંકી તથા સરપંચ સંઘના પ્રમુખ વિનોદભાઈ પટેલ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિવિધ ગામોમાં ચેક વિતરણ અને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. સમગ્ર વલસાડ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં કુલ રૂ. ૩ કરોડ ૭૦ લાખ જેટલી રકમ કેશ ડોલ, ઘરવખરી અને કપડાં સહાય પેટે સીધી અસરગ્રસ્તોના ખાતામાં જમા કરવામાં આવી છે. વલસાડ તાલુકાના નાનકવાડા રૂ. ૩,૮૪,૦૦૦, ભાગડાવડા રૂ. ૪૧,૫૫,૬૦૦, ભાગડાખુર્દ રૂ. ૧૬,૭૫,૬૦૦ આ ઉપરાંત ગોરગામ, કોસંબા, ગુંદલાવ, તિથલ, રોલા, પંચલાઈ, સોનવાડા, માલવણ, દાંતી, ભાગલ, ઊંટડી, સરોણ, નંદાવલા, ઠક્કરવાળા, કાજણ રણછોડ, ધનોરી, ચોબડિયા, વાંકલ અને ધરાસણા સહિત કુલ ૨૫ ગામોમાં અંદાજે રૂ. ૯૨ લાખ ની સહાયનું વિતરણ કરવામાં આવ્યું છે. હનુમાનજી સંસ્થાપન ટ્રસ્ટ અને ચંદ્રમોલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ સહિતની સામાજિક સંસ્થાઓ દ્વારા નિઃસ્વાર્થ સેવા આપીને કુલ ૧,૫૦૦ અનાજ કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે.
