Damanganga Times.

Damanganga Times.

July 31, 2026

વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં વરસાદનું ઍલર્ટ

વલસાડ, નવસારી, ડાંગ જિલ્લામાં વરસાદનું ઍલર્ટ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ ભારતીય હવામાન વિભાગ દ્વારા વલસાડ જિલ્લામાં તા. ૩૦ જુલાઈથી આગામી તા. ૦૧ ઓગસ્ટ સુધીના દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે ઍલર્ટ અપાતા વલસાડ, નવસારી અને ડાંગ  જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ ઍલર્ટ મોડમાં આવી ગયું છે.  વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ તમામ મામલતદારો, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસરો તેમજ સંબંધિત વિભાગોને આગોતરી સાવચેતીના ભાગરૂપે આગોતરા આયોજન સાથે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
તથા  જે વિસ્તારોમાં તા.૨૧ થી ૨૩ જુલાઈ દરમિયાન ભારે વરસાદ પડ્યો હોય અને પૂરથી વધુ પ્રભાવિત થયા હતા તેમજ અન્ય નીચાણવાળા વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક (૨૪ કલાક) સ્ટાફની ડ્યુટી ગોઠવવા મામલતદારોને  જણાવાયું છે.
પારડી વિસ્તાર સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાં કોસ્ટ ગાર્ડની બોટ્સ પણ આગોતરી તૈયાર રાખવા અને જરૂરિયાત સમયે તેનો ઉપયોગ કરવા માટે પ્રાંત અધિકારીઓને સંકલન કરવા જણાવાયું છે. ઍ રીતે જાહેર જનતા, ખેડૂતોને તથા જિલ્લાની ઔદ્યોગિક વાસહતોમાં પણ સતત જાણ કરી સાવચેતી રાખવા વિવિધ સુચનાઅો આપવા નિર્દેશ આપવા સાથે  કોઈપણ આપત્તિજનક પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિસાદ આપવા માટે સજ્જ રહેવા જણાવાયું છે.
ઍ રીતે હવામાન વિભાગ દ્વારા ૩૧ જુલાઈના રોજ   નવસારી જિલ્લા અને  ડાંગ જિલ્લા માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ અગમચેતીની આગાહીને ધ્યાને રાખીને નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની દ્વારા મીડિયાના માધ્યમથી નાગરિકોને સાવચેતી જાળવવા ખાસ અપીલ કરવામાં આવી છે. નવસારી  જિલ્લામાં પણ  વહીવટીતંત્ર દ્વારા આગોતરા આયોજનના ભાગરૂપે ગામે ગામ તૈયારીઓ આરંભી છે. અને  જલાલપોરના પનાર, દેલવાડા અને મચ્છાડ ગામો તથા ચીજ, દાંતી સહિતના અન્ય ગામોના ઝીંગા તળાવો ખાતે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ખેરગામ તાલુકામાં પણ  સ્થળાંતર કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લાના ગામોમાં સરપંચો, તલાટીઓઍ ગ્રામજનો સાથે બેઠક યોજી ભારે વરસાદના સમયે નદીકાંઠાના તથા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ઈમરજન્સીના સમયે સ્થળાતર કરવા અંગે સમત કર્યા હતા. આ ઉપરાંત ગામોમાં લાઉડ સ્પીકર દ્વારા આગાહી અંગે ગ્રામજનોને જાગૃત કરવામાં આવી રહ્ના છે.
 હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે તા. ૩૧-૦૭-૨૦૨૬ (શુક્રવાર)ના રોજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, ખાનગી, આંગણવાડી, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાંરૂપે લેવામાં આવ્યો છે. હોવાનું જિલ્લા શિક્ષણાધિકરી અને પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી  દ્વારા જણાવાયું છે. બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ઓનલાઇન ના માધ્યમથી અથવા અન્ય ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરી બાળકોનું શિક્ષણ કાર્ય ચાલુ રાખવાનું રહેશે.