ઉમરગામના અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડી
- byDamanganga Times
- 31 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા.૩૦ ઃ વલસાડ જિલ્લામાં વર્ષ ૧૯૬૮ બાદ તા. ૨૩ જુલાઈ, ૨૦૨૬ના રોજ પડેલા અભૂતપૂર્વ વરસાદ અને વિનાશક પૂરના કારણે ઉમરગામ તાલુકાના અનેક ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ અનેક પરિવારો ઘરવિહોણા બન્યા હતા, જ્યારે કેટલાક પરિવારો આજે પણ કાદવ-કીચડ વચ્ચે મુશ્કેલીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે. અસરગ્રસ્તોની કરૂણ સ્થિતિ જોઈ કોઈનું પણ હૃદય દ્રવી ઊઠે તેવી પરિસ્થિતિ વચ્ચે અનેક સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ માનવસેવા માટે આગળ આવ્યા હતાં.
આ જ સંવેદનાને સાકાર કરતાં ગુજરાત સરકારની વલસાડ જિલ્લા માહિતી કચેરીઍ વલસાડના સેવા મિત્ર મંડળ અને ઉમિયા સોશિયલ ટ્રસ્ટના સહયોગથી ઉમરગામ તાલુકાના અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામના કુલ ૧૩ ફળિયામાં અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્તો સુધી રાહત સામગ્રી પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી છે.
વલસાડ જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામકની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારોના કવરેજ દરમિયાન અસરગ્રસ્ત પરિવારોની દયનીય સ્થિતિ નિહાળી તેમને તાત્કાલિક સહાય મળે તે માટે કચેરીના સ્ટાફને શક્ય તેટલી મદદ માટે આહ્વાન કર્યું હતું. કચેરીના અધિકારીઓ-કર્મચારીઓઍ પણ તમામ બનતી મદદ કરી હતી. ત્યારબાદ સેવા મિત્ર મંડળના સેવક અક્ષયભાઈ સોની તથા ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા બંને સંસ્થાઓઍ તાત્કાલિક સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. જિલ્લા માહિતી કચેરીની ટીમે અંકલાસના આગેવાન રવુભાઈ વળવી, ઝરોલીના સરપંચશ્રી રેખાબેન પટેલ તથા નગવાસના ઉપસરપંચ દિલીપભાઈ સહિતના સ્થાનિક આગેવાનોના સહયોગથી રાહત સામગ્રીનું વિતરણ કરી અંકલાસ, નગવાસ અને ઝરોલી ગામના કુલ ૧૩ ફળિયામાં રહેતા અંદાજે ૧૫૦૦થી વધુ પૂર અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સહાય પહોંચાડી માનવતાની મહેક પ્રસરાવી હતી. જિલ્લા માહિતી કચેરીઍ આ કામગીરી દ્વારા માત્ર સરકારની યોજનાઓ અને કામગીરીને લોકો સુધી પહોંચાડવાની પોતાની જવાબદારી જ નહીં, પરંતુ સરકાર અને પ્રજા વચ્ચે સંવેદનશીલ તથા વિશ્વસનીય સેતુ તરીકેની ભૂમિકા પણ સફળતાપૂર્વક નિભાવી હોવાનું ચરિતાર્થ કર્યું છે.
