Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

ગણદેવીમાં ૫૮ માર્ગો પર વાહનવ્યવહાર ફરી શરુ

ગણદેવીમાં ૫૮ માર્ગો પર વાહનવ્યવહાર ફરી શરુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ગણદેવી, તા. ૨૭ ઃ ચાલુ ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિ સર્જાતાં ગણદેવી તાલુકાના કુલ ૫૮ જેટલા મુખ્ય અને આંતરિક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો હતો. પૂરના પાણી ઓસરતાં જ માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ ગણદેવીની ટીમે તાત્કાલિક હરકતમાં આવીને યુદ્ધના ધોરણે રસ્તા મરામત અને સાફ-સફાઈની કામગીરી હાથ ધરી હતી. આ પૂર દરમિયાન ઊંડાચ, પાથરી, ધનોરી, માણેકપોર, વેગામ, ગડત, દેવધા, કેસલી અને ભાઠા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫ જેટલા રસ્તાઓ ભારે ધોવાણ થવાથી કે અવરોધાવવાથી ક્ષતિગ્રસ્ત થયા હતા. જોકે, તંત્ર દ્વારા ત્વરિત સમારકામ હાથ ધરીને બંધ થયેલા માર્ગોને ઝડપથી ખુલ્લા કરવામાં આવતાં વાહનવ્યવહાર ફરીથી પૂર્વવત ધબકતો થયો છે.   બીજી તરફ, કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ઓસર્યા બાદ રસ્તાઓ પર મોટા પ્રમાણમાં કાદવ કીચડનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના હતો. 

લોકમુશ્કેલીને ધ્યાને રાખી ગણદેવી માર્ગ અને મકાન પંચાયત વિભાગના ઇજનેર કેતન પટેલ અને તેમની ટીમે જેસીબી, ટ્રેક્ટર તથા વોટર ટેન્કરો સાથે સ્થળ પર પહોંચી રસ્તા પરથી કાદવ-કીચડ દૂર કરી માર્ગો ધોઈ સાફ કરવાની ત્વરિત કામગીરી કરી હતી. તંત્રની આ કામગીરીથી ગ્રામજનો અને વાહનચાલકોને મોટી રાહત મળી હતી.