છીપવાડના અન્ડરપાસમાં હજુ ગંદા-ગંધાતા પાણીનો ભરાવો
- byDamanganga Times
- 28 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૭ ઃ ગત તા. ૨૩-૨૪ના મહાપૂરથી ઔરંગા નદીઍ વલસાડ શહેરના નીચાણવાળા ભાગોમાં કચ્ચરઘાણ વાળ્યો હતો, હજારો લોકોને બે ઘર ઘરવખરી વગરના કર્યા અને દુકાનદારોને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું હતું.
સ્મશાનભૂમિ પાસેના કૈલાશ રોડના નીચાપુલને ખેદાન મેદાન કરી નાખ્યો અને નવા પીલરના ટોચ સુધી પાણી ફરી વળ્યાં હતાં. માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જતીન પટેલના જણાવ્યા અનુસાર રવિ-સોમ માં જુના પુલની સપાટીને યુદ્ધના ધોરણે સમતળ કરવામાં આવી હવે વાહન વ્યવહાર શરૂ થશે પણ મુખ્ય મોકાણ છીપવાડ અંડરપાસની છે જેમાં આજની સાંજે લેવાયેલી છબીમાં અંડરપાસમાં ઍકાદ મીટર જેટલા અત્યંત ગંદા ડહોળા દુર્ગંધ મારતા પાણીનો ભરાવો થયેલો છે અને તેની આજુબાજુ કચરો, માટી, પૅવર વિ.ના ઢગલા છે જેની સાફ સફાઈ કરવામાં આવી નથી. વધુમાં માર્ગ મકાનના અંડરપાસ ની પૂર્વ ઉત્તર બાજુ લગભગ ત્રીસેક ફૂટનું ગાબડું અને ધોવાણ થયેલું છે જેના કાટમાળે પણ ગટરમાં પુરાણ કરીને સાંકડી કરી નાખી છે જેથી ગંદાપાણીનો ઝડપી નિકાલ થતો નથી. અંડરપાસમાં વાહન ચલાવવું પણ ધોવાણ થતાં ભારે મુશ્કેલ બન્યું છે. આ અંડરપાસ નુ કોઈ ધણી ધોરી નથી તેવું સરકારી તંત્રો વલણ અપનાવે છે. કડિયા પુલનું સમારકામ બે દિવસ ચાલ્યું તે દરમિયાન આ અંડરપાસનું પણ સમારકામ થવું જોઈતું હતું જે માટે કોઈપણ સક્રિય ન થતાં પરિસ્થિતિ અત્યંત ભયાનક છે અને દ્વિચક્રીચાલકોથી લઈને તમામ વાહનો અંડરપાસમાંથી ક્યારે પસાર થઈ શકશે તે મહાપ્રશ્ન છે. રાહદારીને ચાલીને જવામાં પણ મુશ્કેલી છે. હાલમાં પુલ પર ગરનાળામાં પાણી હોય ખબર પડતા લોકો પરત થાય છે. ધારાસભ્ય, સંસદ સભ્ય, વલસાડ નગરપાલિકા, માર્ગ મકાન વિભાગ અને રેલ્વે સંયુક્ત રીતે સફાઈ અભિયાન ચલાવી તાત્કાલિક વલસાડ ગુંદલાલ ખેરગામના ૪૦ ગામડાનો સીધો વહેવાર ચાલુ કરાવે તેવી લોકમાંગ છે.
