ટુકવાડા ડૂબ્યું કોના પાપે ?
- byDamanganga Times
- 28 July, 2026
ટુકવાડાગામમાં ત્રણ દિવસ પહેલાં પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી પૂરની વિનાશક સ્થિતિઍ વિકાસના નામે થયેલા બાંધકામો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કુદરતી પાણીના નિકાલના માર્ગો બંધ કરી દેવામાં આવતા આખું ગામ પૂરના પાણીમાં ગરકાવ થયું હતું.
વાપી મહાનગરપાલિકાના વુડા મા સમાવેશ કરાયેલા પારડી તાલુકાના નદીના કિનારે આવેલા ટુકવાડા ગામમાં આવેલી અવધ યુટોપિયા, હેલિકોનિયા સહિતની હાઈફાઈ સોસાયટીઓ તેમજ દેસાઈવાડ, ભંડારવાડ, ધામણીયું ફળિયું, નિશાળ ફળિયું, કુવી ફળિયું, માયાવંશી ફળિયું અને બાવરીમોરા સહિતના વિસ્તારોમાં મધરાતે કોલક નદીનું પાણી ધસી આવ્યું હતું. માત્ર બે-ત્રણ કલાકમાં જ સમગ્ર વિસ્તાર ખેદાનમેદાન થઈ ગયો હતો. અવધ યુટોપિયા સોસાયટીના અનેક બંગલાઓમાં ઍક માળ સુધી પાણી ભરાઈ ગયું હતું, જ્યારે અનેક મોંઘીદાટ કારો પાણીમાં તણાઈ ગઈ હતી. ગામના નીચાણવાળા વિસ્તારોમાં ૧૦થી ૧૨ ફૂટ સુધી પાણી ભરાતા લોકો જીવ બચાવવા માટે દોડધામ કરવા મજબૂર બન્યા હતા.
પૂરનું પાણી ઉતરી જતાં સમગ્ર વિસ્તારમાં કાદવ, કચરો અને વિનાશના દૃશ્યો જોવા મળ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ કરોડોના વિકાસના દાવા વચ્ચે વરસાદી પાણીના નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા જ ઉભી કરવામાં આવી નહોતી.
સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે નવી હાઈફાઈ સોસાયટીઓના વિકાસ દરમિયાન આ સોસાયટી દ્વારા કેટલીક ઍટલે કે પાંચથી વધુ કુદરતી કાંસ, વરસાદી પાણીના નિકાલ માટેના માર્ગો તેમજ સિંચાઈ વિભાગની નહેરો ઉપર ગેરકાયદે પુરાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે વરસાદી પાણી બહાર નીકળી શક્યું નહીં અને કોલક નદી અને આખા ગામને જળબંબાકાર સ્થિતિનો સામનો કરવો પડ્યો. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તેની તપાસ થવી બાકી છે.
ગ્રામજનોમાં ઍવી પણ ચર્ચા છે કે ટુકવાડા અને સલવાવ ગામની આસપાસ બિલ્ડરો અને ભૂમાફિયાઓ દ્વારા કોલક નદી કિનારે આડેધડ પુરાણ કરી કુદરતી પર્યાવરણ સાથે ચેડાં કરવામાં આવ્યા છે. જો આક્ષેપો સાચા સાબિત થાય તો આ માત્ર કુદરતી આપત્તિ નહીં પરંતુ માનવસર્જિત હોનારત ગણાશે.
હવે ગ્રામજનો વલસાડ જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર પાસેથી સમગ્ર ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસ, ગેરકાયદે પુરાણ કરનાર તત્વોની ઓળખ અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્ના છે. લોકોનો સવાલ છે કે જો સમયસર કાર્યવાહી થઈ હોત તો શું ટુકવાડા ગામને આ વિનાશનો સામનો કરવો પડ્યો હોત? જોકે આ સોસાયટીમાં રહેતા માલેતુઝાર લોકો પોતાના બંગલામાં ઍક માળ સુધી પાણી આવી ગયા તેઓઍ તેમના બંગલાના બીજા માળે પહોંચી રાત વિતાવી પરંતુ ટુંકવાડા ગામના અન્ય ફળિયામાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ના ઘરોમાં પાણી ઘૂસી જે નુકસાન થયું છે તે માટે કોણ જવાબદાર તેવા પ્રશ્ન ટૂકવાડાના લોકો કરી રહ્ના છે.
