Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

પુનાટ આશ્રમમાં અનેક ગૌમાતાઅો તણાઈ જતાં શોકનું વાતાવરણ

પુનાટ આશ્રમમાં અનેક ગૌમાતાઅો તણાઈ જતાં શોકનું વાતાવરણ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૭ ઃ ઉમરગામ તાલુકાના પુનાટ સ્થિત શ્રી અખંડાનંદ આશ્રમ વચ્છરાજ ગીર ગૌશાળા ખાતે તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે નદીમાં આવેલા પ્રચંડ પૂરના પ્રવાહે ભારે તારાજી સર્જી હતી. પૂરના જોરદાર પ્રવાહમાં ગૌશાળાની અનેક ગૌમાતાઓ તણાઈ જતાં આશ્રમ પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. જોકે આશ્રમમાં રહેતા નાના બાળકો તેમજ સ્થાયી સંતો-સાધ્વીઓનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. લગભગ ૩૬ કલાક સુધી આશ્રમ પાણી અને કાદવથી ઘેરાયેલો રહ્ના, જેના કારણે પૂજ્ય સંતો અને સાધ્વીઓને અત્યંત વિકટ પરિસ્થિતિમાં સમય પસાર કરવો પડ્યો હતો. સમગ્ર આશ્રમ પરિસરમાં ભારે પ્રમાણમાં કાદવ અને ગંદકી ફેલાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.

આ વિકટ સમયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરઍસઍસ)ના સુરેશભાઈ પોતાના સ્વયંસેવકો સાથે સતત ત્રણ દિવસ સુધી આશ્રમમાં રહી રાહત અને સફાઈ કામગીરીમાં જોડાયા હતા અને આશ્રમને ફરી સામાન્ય સ્થિતિમાં લાવવા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ ઉપરાંત વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળની ટીમ પણ આશ્રમ ખાતે પહોંચી હતી. પિયૂષભાઈ શાહ, અંકિતભાઈ શાહ, હિતેશભાઈ શાહ, રામભુવનભાઈ, ગિતેશભાઈ, ગૌતમભાઈ કિતાવત, રાજેશભાઈ નાવી અને પંડિતજીઍ પૂજ્ય સંતો સાથે મુલાકાત કરી નુકસાનની વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ વિશ્વ હિંદુ પરિષદના પ્રાંતમંત્રી રાજેશભાઈ રાણા સાથે સંતોની ટેલિફોનિક વાતચીત કરાવવામાં આવી હતી, જેમાં આશ્રમમાં સર્જાયેલી ભારે તબાહીની જાણકારી આપવામાં આવી હતી. પરિસ્થિતિની ગંભીરતા ધ્યાનમાં રાખી રાજેશભાઈ રાણાઍ આશ્રમને સરકાર તરફથી મળવાપાત્ર સહાય અને રાહત ઝડપથી મળી રહે તે માટે જરૂરી સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરોઍ આશ્રમમાં બિસ્કિટ અને પીવાના પાણીનું વિતરણ કર્યું હતું. સાથે જ કાર્યકરો તેમજ માતા-બહેનોઍ સફાઈ અભિયાનમાં જોડાઈ આશ્રમને ફરી સ્વચ્છ બનાવવા માટે શ્રમદાન કર્યું હતું. આ મુશ્કેલ સમયમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા કરવામાં આવેલી સેવા કામગીરીને સ્થાનિક લોકોઍ બિરદાવી હતી.