Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

‘સર, પૂરગ્રસ્તોને દાન માટે અમારી પાસે પૈસા તો નથી, પરંતુ...’

‘સર, પૂરગ્રસ્તોને દાન માટે અમારી પાસે પૈસા તો નથી, પરંતુ...’


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લામાં આવેલા વિનાશક પૂરના કારણે હજારો પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિકટ પરિસ્થિતિમાં અસરગ્રસ્તોને મદદરૂપ થવા અનેક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે ધરમપુર પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ અને અનસૂયા છાત્રાલય, વિરવલની આદિવાસી દીકરીઓઍ માનવતાનું ઍક અનોખું અને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ દીકરીઓઍ રાહતકાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે ઍક ટેમ્પો ભરેલા પૂર પીડિતોના કપડાં પોતાના હાથે ધોઈને અદભુત સેવા આપી છે.

આ સેવાયજ્ઞ પાછળનો દીકરીઓનો ભાવ અત્યંત સ્પર્શક અને હૃદયદ્રાવક હતો. છાત્રાલયની દીકરીઓઍ તેમના શિક્ષક ઋષિત મસરાણીને ભાવુક સ્વરે કહ્નાં હતું કે, ‘સર, અમારી પાસે દાનમાં આપવા માટે પૈસા નથી, પરંતુ અમે પૂર પીડિતોના કપડાં ધોઈને તેમની સેવા કરવા માંગીઍ છીઍ.’ દીકરીઓની આ નિઃસ્વાર્થ ભાવનાને સન્માન આપતાં તેમને આ સેવા કરવાની તક આપવામાં આવી હતી. દીકરીઓઍ પણ કલાકો સુધી ભારે જહેમત ઉઠાવીને તમામ કપડાં સાફ કરી આપ્યા હતા.

પોતાની પાસે ભૌતિક સંપત્તિ ન હોવા છતાં, શારીરિક શ્રમ દ્વારા પૂરગ્રસ્તોની મદદ કરવાની આદિવાસી દીકરીઓની આ કરુણાભરી પહેલે સમાજને માનવતાની સાચી સેવાનો સુંદર સંદેશ આપ્યો છે. આ ઘટના ઍ વાતની સાબિતી આપે છે કે સેવા માટે માત્ર સંપત્તિની જ નહીં, પરંતુ સંવેદના અને નિઃસ્વાર્થ ભાવથી ભરેલા હૃદયની જરૂર હોય છે. સમાજમાં આ આદિવાસી દીકરીઓના આ ભગીરથ કાર્યની ચોમેર ભારે પ્રશંસા થઈ રહી છે.