અંભેટી- રાતા ખાડીનો પુલ મરામત બાદ વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો મૂકાયો
- byDamanganga Times
- 28 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૭ ઃ વાપી પંથકમાં ૨૩ જુલાઈના રોજ આવેલા વિનાશક પૂરના કારણે વલસાડ માર્ગ અને મકાન વિભાગ હેઠળના અનેક માર્ગો અને પુલોને ભારે નુકસાન પહોંચ્યું હતું. વાપી–કોપરલી–અંભેટી–સુખલા માર્ગ પર અંભેટી ગામ નજીક આવેલી રાતા ખાડીનો પુલ પણ પૂરના પ્રચંડ પ્રવાહથી ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત બન્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓઍ તાત્કાલિક સ્થળ પર પહોંચી નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પુલના તૂટી ગયેલા ક્રેશ બેરિયરની મરામત, પુલની સપાટીનું સમારકામ તેમજ ઍપ્રોચ રોડ પર થયેલા ધોવાણને દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ભારે મશીનરી અને પૂરતા મેનપાવરની મદદથી સતત કામગીરી ચલાવી ટૂંકા સમયમાં તમામ જરૂરી મરામત પૂર્ણ કરવામાં આવી હતી.
સુરક્ષા ધોરણોની ચકાસણી બાદ હવે અંભેટી રાતા ખાડીનો પુલ વાહનવ્યવહાર અને રાહદારીઓ માટે ફરીથી ખુલ્લો મુકવામાં આવ્યો છે. પુલ શરૂ થતાં વાપી, અંભેટી, સુખલા સહિતના વિસ્તારોના ગ્રામજનો, વેપારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. છેલ્લા કેટલાક દિવસોથી અવરજવરમાં પડી રહેલી મુશ્કેલીઓ દૂર થતાં સ્થાનિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.
