Damanganga Times.

Damanganga Times.

July 28, 2026

ઉમરગામમાં ધારાસભ્યઍ સેવા કાર્યમાં સહયોગ આપનારનો આભાર માન્યો

ઉમરગામમાં ધારાસભ્યઍ સેવા કાર્યમાં સહયોગ આપનારનો આભાર માન્યો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૨૭ ઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સતત પડેલા અંદાજે ૪૨ ઇંચથી વધુ વરસાદને પગલે સમગ્ર તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તાલુકાના ૨૩થી વધુ ગામો તેમજ ઉમરગામ નગરપાલિકા વિસ્તાર પૂરથી ઘેરાઈ ગયો હતો. અનેક વિસ્તારોમાં અંદાજે ૨૨ ફૂટ સુધી પાણી ભરાતા ઍક લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા હતા. હજારો ઘરોમાં પાણી ઘૂસી જતાં ઘરવખરી, ખેતી અને વેપાર-ધંધાને ભારે નુકસાન પહોંચ્યું હતું.

આ વિકટ પરિસ્થિતિમાં ઉમરગામમાં માનવતાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું. જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર, ઉદ્યોગગૃહો, સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ પૂરગ્રસ્તોની મદદ માટે ખડેપગે ઊભા રહ્ના હતા.

ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ અંદાજે ૫૦૦થી વધુ અનાજ કિટ અને ૨૫૦થી વધુ ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરીગામ સ્થિત મેકલોડ કંપની દ્વારા આશરે ૨,૦૦૦ અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું, જ્યારે અપાર કંપની દ્વારા પણ રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી હતી. ડોમ્સ કંપનીઍ ઉમરગામ નગરપાલિકા સાથે સંકલન કરીને રાહત કામગીરીમાં મહત્વપૂર્ણ સહયોગ આપ્યો હતો.

સેવાભાવી આગેવાન પંકજભાઈ બારભાયા વાળા દ્વારા પાંચ ગામોમાં સતત ત્રણ દિવસ સુધી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપરાંત અનેક સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા અનાજ કિટ, ફૂડ કિટ, ધાબળા, દૂધ, ચા અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓનું સતત વિતરણ કરવામાં આવ્યું હતું.પૂર દરમિયાન લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ઉમરગામના તરવૈયા અપૂર્વ અને તેમની ટીમ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ સ્થાનિક યુવાનો દિવસ-રાત બચાવ કામગીરીમાં જોડાયા હતા. તેમની સમયસરની કામગીરીને કારણે અનેક લોકોના જીવ બચાવી શકાયા હતા.પૂરની આફતમાં કેટલાક પશુઓના પણ મોત થયા હતા, જે દુઃખદ ઘટના હતી. તેમ છતાં સમગ્ર તાલુકામાં ગામેગામથી સેવાભાવીઓ અને સામાજિક સંસ્થાઓઍ મદદનો હાથ લંબાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ અભૂતપૂર્વ કુદરતી આફત દરમિયાન ગુજરાત સરકાર, મુખ્યમંત્રી, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ, ધારાસભ્ય રમણભાઈ પાટકર, જિલ્લા વહીવટી તંત્ર, તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકા, સરપંચો, ઉદ્યોગગૃહો, સેવાભાવી સંસ્થાઓ, સ્વયંસેવકો અને તમામ દાતાઓની કામગીરીને ઉમરગામની જનતા કૃતજ્ઞતાપૂર્વક બિરદાવી રહી છે. આ આફતે ભારે વિનાશ સર્જ્યો હોવા છતાં સમગ્ર તાલુકામાં ઍકતા, સેવા અને માનવતાની ભાવનાઍ સમાજને નવી દિશા આપી છે.