વાડધામાં રસ્તા-નાળાના ધોવાણથી જનજીવન ભાવિત
- byDamanganga Times
- 27 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીવલ, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના વાડધા ગામના પટેલ ફળિયામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું છે. અવિરત વરસાદને જમીનનું ધોવાણ થતાં ગ્રામજનો ચિંતિત બન્યા છે. વરસાદી પાણીના જોરદાર પ્રવાહને કારણે ખેતરો, રસ્તાઓ અને નાળાઓને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે ગામમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. ગામના રહેવાસી વિરલભાઈ ગણેશભાઈ સિંધાના આંબાના કલમના બગીચાને પણ ભારે નુકસાન થયું છે. વરસાદી પાણીના પ્રવાહથી કોતરમાંથી પાણી સીધું તેમના ઘરમાં ઘૂસી જતાં ઘર તૂટી પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું. ઘરની આસપાસની જમીન ધોવાઈ જતાં પરિવાર ભયના માહોલમાં જીવન વિતાવી રહ્ના છે. ભારે વરસાદને કારણે ગામના આંતરિક રસ્તાઓ અને નાળાઓનું મોટા પ્રમાણમાં ધોવાણ થતાં વાહનવ્યવહાર પર પણ ગંભીર અસર પડી છે.
અનેક સ્થળોઍ રસ્તા બિસ્માર બનતાં ગ્રામજનોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને રોજિંદા કામકાજ માટે બહાર જતા શ્રમિકો તેમજ આવન-જાવન કરતા લોકો લાંબા અંતરનો વિકલ્પ અપનાવવા મજબૂર બન્યા છે. વાડધા ગામની શાળામાં અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. ખરાબ રસ્તાઓ અને પાણી ભરાયેલા વિસ્તારોને કારણે શાળાઍ પહોંચવું જોખમી બન્યું છે. વરસાદી પરિસ્થિતિને કારણે શિક્ષણ વ્યવસ્થા પર પણ અસર જોવા મળી રહી છે. ગ્રામજનોઍ જિલ્લા વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગને તાત્કાલિક નુકસાનનું સર્વેક્ષણ કરીને રસ્તા, નાળાઓ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં મરામત કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. જો આગામી દિવસોમાં પણ ભારે વરસાદ યથાવત રહેશે તો નુકસાનમાં વધુ વધારો થવાની શક્યતા સ્થાનિકોઍ વ્યક્ત કરી છે.
