Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

અોઝરડામાં દોલધાનો પુલ ધોવાયો

અોઝરડામાં દોલધાનો પુલ ધોવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૨૬ ઃ  નાનાપોંઢા તાલુકામાં તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે દોલધા નદીમાં આવેલા પૂરથી ઓઝરડા ગામ સ્થિત પુલને ભારે નુકસાન પહોંચ્યું હતું. નદી પરના પુલ પરથી પાણી ફરી વળતાં પુલના બન્ને છેડા પર સૌથી વધુ ધોવાણ સર્જાયું હતું. ભારે પાણીના પ્રવાહમાં પુલના બંને છેડા પર ઊભી રહેલી બે લારીઓ પણ પાણીમાં તણાઈ ગઈ હતી. આ ઉપરાંત નદી કિનારે આવેલા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
રાત્રિના અંદાજે ૧૨ વાગ્યાના સુમારે પરિસ્થિતિ ગંભીર બનતાં સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને અસરગ્રસ્ત પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં મદદ કરી હતી. ગ્રામજનોઍ ઘરવખરી તેમજ પશુઓને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે રાતભર જહેમત ઉઠાવી હતી. સમયસર સ્થાનિક લોકોની મદદ મળતાં મોટી જાનહાનિ ટળી હોવાનું ગામલોકોઍ જણાવ્યું હતું.
પૂરના પ્રચંડ પ્રવાહને કારણે પુલના બન્ને છેડા પર મોટા ખાડાઓ પડી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો.
જેના કારણે અનેક ગામોના લોકો માટે અવરજવર મુશ્કેલ બની હતી. ખાસ કરીને શાળાઍ જતાં વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઓઝરડા, બારી ફળિયા, સેગુ ફળિયા, ઓઝર ફળિયા, ખૂટલી, અરણાઈ અને ચાંદવેગણ ગામોનો અન્ય વિસ્તારો સાથેનો માર્ગ સંપર્ક પણ તૂટી ગયો હતો, જેના કારણે દૈનિક જીવન પર વ્યાપક અસર પડી હતી.
સ્થાનિક ગ્રામજનોઍ તંત્ર સમક્ષ તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવાની માંગ કરી હતી. જેના અનુસંધાને માર્ગ અને મકાન વિભાગ દ્વારા શનિવારના રોજ પુલના બન્ને છેડા પર થયેલા ધોવાણને પૂરવાની તેમજ માર્ગને ફરી વાહનવ્યવહાર માટે યોગ્ય બનાવવા મરામત કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિભાગના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાતા ગ્રામજનોમાં રાહતની લાગણી જોવા મળી હતી.
સ્થાનિકોઍ માંગણી કરી છે કે પુલનું માત્ર કામચલાઉ સમારકામ નહીં પરંતુ કાયમી અને મજબૂત પુનઃનિર્માણ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિમાં ફરી આવી મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે તેમજ આસપાસના ગામોના લોકોનો સંપર્ક અવિરત જળવાઈ રહે.