Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

નાનાપોંઢામાં પૂરથી કિનારાના ખેતરોમાં પાક ધોવાયા

નાનાપોંઢામાં પૂરથી કિનારાના ખેતરોમાં પાક ધોવાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૨૬ ઃ નાનાપોંઢા તાલુકામાં તાજેતરના ભારે વરસાદ બાદ નદીઓમાં આવેલા પૂરથી નદી કિનારે આવેલા ગામોના ખેડૂતોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. પૂરનાં પ્રચંડ પ્રવાહે નદી કિનારે આવેલા અનેક ખેતરોનું ધોવાણ થતાં ઉભા પાક અને ખેતી માટેની સામગ્રી સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ છે. ખૂટલી ગામના ખેડૂત કમલેશભાઈ આબુભાઈ કુરકુટિયાઍ જણાવ્યું કે તેમના ખેતરમાં વાવેલા અંદાજે ૧,૭૦૦ કેળના છોડ, ૪૦ કલમ, ૪૦ પાઈપ તેમજ આશરે રૂ.૪૦ હજારની કિંમતની ડ્રિપ સિંચાઈ વ્યવસ્થા પૂરનાં પાણીમાં ધોવાઈ ગઈ છે. આ નુકસાનને કારણે તેમની આખી વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું છે. માત્ર ખૂટલી જ નહીં, પરંતુ ઓઝરડા, પાનસ, વડખંભા, નળી અને મધની સહિતના નદી કિનારાના ગામોમાં પણ ખેડૂતોના પાકોને ભારે નુકસાન થયું છે. અનેક ખેતરોમાં માટી ધોવાઈ જતાં આગામી ખેતી પણ મુશ્કેલ બનવાની શક્યતા છે.
અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ સ્થળ નિરીક્ષણ કરી વાસ્તવિક નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવે તેમજ તાત્કાલિક સહાય અને યોગ્ય વળતર ચૂકવવાની માંગ ઉઠી છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર સહાય મળશે તો તેઓ આગામી સિઝનની ખેતી માટે ફરી ઉભા થઈ શકશે.