નાનાપોંઢામાં ચાર દિવસ ઈન્ટરનેટ સેવા બંધ રહેતાં લોકો પરેશાન
- byDamanganga Times
- 27 July, 2026
નાનાપોંઢા તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અતિભારે વરસાદના કારણે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સતત ચાર દિવસ સુધી ખોરવાઈ જતાં હજારો ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નેટવર્ક બંધ રહેવાના કારણે મોબાઈલ ફોન લગભગ નિષ્ક્રિય બની ગયા હતા, જેના કારણે લોકો પોતાના સ્વજનો તેમજ જરૂરી સેવાઓ સાથે સંપર્ક કરી શક્યા નહોતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કુદરતી આપત્તિના સમયમાં સંચાર વ્યવસ્થા સૌથી મહત્વપૂર્ણ બની જાય છે. કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય, તબીબી સહાયની જરૂર હોય કે અન્ય કોઈ તાત્કાલિક પરિસ્થિતિ સર્જાય ત્યારે મોબાઈલ સેવા બંધ રહેવાને કારણે ગંભીર મુશ્કેલીઓ ઊભી થઈ હતી. ગ્રાહકોઍ વધુમાં જણાવ્યું હતું કે તેઓ દર મહિને સંપૂર્ણ ડેટા પેક સાથે મોબાઈલ રિચાર્જ કરાવે છે, પરંતુ ચાર દિવસ સુધી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ ન હોવા છતાં ડેટાનો લાભ મળી શક્યો નથી. આવી સ્થિતિમાં ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને ઉપયોગમાં ન આવી શકેલા ડેટા અથવા સેવા માટે કોઈ વળતર આપશે કે નહીં તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્ના છે.સ્થાનિકોઍ ટેલિકોમ કંપનીઓ અને સંબંધિત વિભાગને કુદરતી આપત્તિના સમયમાં સંચાર સેવાઓ ઝડપથી પુનઃસ્થાપિત કરવા તેમજ અસરગ્રસ્ત ગ્રાહકોને યોગ્ય રાહત અથવા વળતર આપવા માંગ કરી છે.
