ભાગડાખુર્દમાં ૧૫થી વધુ ઘર ધરાશાયી ઃ લોકોમાં તંત્ર સામે રોષ
- byDamanganga Times
- 27 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ નજીક આવેલા ભાગડાખુર્દ ગામમાં પૂરના ધસમસ્તા કાંઠા વિસ્તારો ધોવાઈ જતાં ૧૫થી વધુ કાચા-પાકા ઘરો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયા છે. ગૃહસ્થિનો તમામ સામાન, અનાજ અને કિંમતી ચીજવસ્તુઓ નદીના વહેણમાં તણાઈ જતાં અનેક પરિવારો રસ્તા પર આવી ગયા છે. આ હોનારતને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી અને કરુણ દ્રશ્યો સર્જાયા છે.
અચાનક ઘૂસી આવેલા પૂરના પાણીને કારણે સ્થાનિક રહીશોને પોતાનો સામાન ખસેડવાનો સમય પણ મળ્યો નહોતો. જીવનભરની કમાણી ક્ષણવારમાં નદીમાં લીન થઈ જતાં પૂરપીડિતોમાં તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે આક્રોશ જોવા મળી રહ્ના છે. ઘરવિહોણા બનેલા લોકોઍ વિરોધ દર્શાવી તંત્ર પાસે આશરો અને તાત્કાલિક યોગ્ય આર્થિક વળતર આપવાની ઉગ્ર માંગણી કરી છે. નદી કાંઠે યોગ્ય સંરક્ષણ દીવાલ ન હોવાને કારણે દર વર્ષે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે.પૂરની પૂર્વ ચેતવણી અને રાહત સામગ્રી પહોંચાડવામાં તંત્ર તરફથી ઢીલાશ દાખવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, પોલીસ કાફલો અને મદદનીશ ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અસરગ્રસ્ત પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે કામચલાઉ આશ્રયસ્થાન, ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી હોવાનું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. જિલ્લા પ્રશાસનના અધિકારીઓઍ ઘટનાસ્થળની મુલાકાત લઈ નુકસાનીનો પ્રાથમિક સરવે શરૂ કર્યો છે અને નિયમાનુસાર વળતર ચૂકવવાની ખાતરી આપી છે. જોકે, પોતાનું છત ગુમાવી ચૂકેલા પીડિતો વહેલામાં વહેલી તકે સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્ના છે.
