વાપી સ્ટેશને સૌરાષ્ટ્ર, કચ્છ ઍક્સપ્રેસને બાદ કરતાં ટ્રેન વ્યવહાર પૂર્વરત
- byDamanganga Times
- 27 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ દક્ષિણ ગુજરાતમાં ગુરુવાર અને શુક્રવારે પડેલા ભારે વરસાદના કારણે મુંબઈ-અમદાવાદ રેલ માર્ગ પર ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. વલસાડ, વાપી અને ઉમરગામ વિસ્તારમાં પાણી ભરાતા અનેક ટ્રેનો મોડી દોડી હતી તેમજ કેટલીક ટ્રેનો રદ કરવી પડી હતી. જોકે શનિવારથી હવામાન સુધરતા મોટાભાગની ટ્રેનો નિયમિત સમયે દોડવા લાગી છે.
રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર ઍક્સપ્રેસ અને કચ્છ ઍક્સપ્રેસને રદ કરવામાં આવી છે. આ સિવાયની લાંબા અંતરની મોટાભાગની ટ્રેનો હવે નિયમિતપણે દોડી રહી છે, પરંતુ કેટલીક ટ્રેનો હજુ થોડા કલાકના વિલંબ સાથે પસાર થઈ રહી છે.
વાપી રેલવે સ્ટેશનના અધિકારીઓઍ જણાવ્યું કે, વરસાદના કારણે ટ્રેક પર પાણી ભરાતા સિગ્નલ અને ટ્રેક લાઈનમાં તકલીફ સર્જાઈ હતી. તેને કારણે ગુરુવાર-શુક્રવારે પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. રેલવેના કર્મચારીઓઍ યુદ્ધના ધોરણે કામગીરી કરીને શનિવાર સવાર સુધીમાં માર્ગને ટ્રેન વ્યવહાર માટે યોગ્ય બનાવ્યો હતો.
હાલ મુંબઈ-અમદાવાદ વચ્ચે. પેસેન્જર અને ઍક્સપ્રેસ ટ્રેન સરળ રીતે દોડી રહી છે. માત્ર સૌરાષ્ટ્ર-કચ્છ તરફની ટ્રેનો પ્રભાવિત થઈ છે. બીજી તરફ વલસાડ-વાપી-ઉમરગામ સહિતના વિસ્તારોમાં પાણી ભરાવા અને રસ્તાઓ બંધ થવાથી વાપી ઍસટી ડેપો દ્વારા તમામ રૂટની બસોનું સંચાલન અસ્થાયી ધોરણે બંધ કરવું પડ્યું હતું. ખાસ કરીને દમણને જોડતા રૂટ પર સૌથી વધુ અસર જોવા મળી હતી. જોકે શુક્રવારથી હવામાનમાં સુધારો થતા અને પાણી ઓસરતા વાપી ઍસટી ડેપો દ્વારા દમણ રૂટ સિવાયના તમામ રૂટની બસોનું સંચાલન ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે. હાલ વલસાડ, નવસારી, સુરત અને અંતરિયાળ ગામો તરફની બસો નિયમિત સમયે દોડી રહી છે. દમણ રૂટ હજુ બંધ છે.
