પૂર બાદ જિલ્લાનાં ૧૧૦ ગામોમાં આરોગ્ય તપાસ
- byDamanganga Times
- 27 July, 2026
વલસાડ, તા.૨૬ ઃ વલસાડ જિલ્લામાં અભૂતપૂર્વ વરસાદ અને પૂરની પરિસ્થિતિ બાદ હવે પૂરનું પાણી ઓસર્યું છે, પરંતુ અનેક વિસ્તારોમાં ઘરો અને આસપાસ કાદવ-કીચડ તેમજ ગંદકીના કારણે રોગચાળો ન ફેલાઈ તે માટે તકેદારી રખાઈ છે. આ પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનના સીધા માર્ગદર્શન હેઠળ વાપી મહાનગરપાલિકા સહિત જિલ્લાની તમામ પાલિકાઓ દ્વારા સફાઈ ઝુંબેશની સાથે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળા અટકાયતી માટે જનઆરોગ્ય સુરક્ષા અભિયાન પણ યુદ્ધના ધોરણે શરૂ કરાયુ છે. અસરગ્રસ્ત ગામો અને શહેરી વિસ્તારોમાં ગામે-ગામ મેડિકલ કેમ્પ, સઘન આરોગ્ય સર્વેલન્સ, પીવાના પાણીની ચકાસણી અને ક્લોરીનેશનની કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લામાં રોગચાળો અટકાયતી માટે લેવાયેલા પગલાંની વિગત આપતા ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઍ.કે.સિંઘ જણાવે છે કે, વલસાડ જિલ્લાના છ તાલુકા વલસાડ, પારડી, નાનાપોંઢા, ઉમરગામ, ધરમપુર, કપરાડા અને વાપીના શહેરી વિસ્તારમાં ૧૧૦ ગામડા અને વોર્ડ અસરગ્રસ્ત થયા છે. જેની કુલ અસરગ્રસ્ત વસ્તી ૪૧૮૨૮ છે. વલસાડ જિલ્લામાં તમામ પૂર અસર ગ્રસ્ત વિસ્તારમાંમેડિકલ અને પેરા મેડિકલની ૭૬૩ જેટલી ટીમ દ્વારા સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરાતા અત્યાર સુધીમાં કુલ ૧૦૩૨૯૯૧ વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવી ચુક્યુ છે. જેમાં ઝાડાના ૭૨૬, ઉલટીના ૯, શરદી ખાંસીના ૩૪૦૧ અને તાવના ૨૪૨૨ કેસ મળી આવ્યા હતા. જેઓ જલદી સ્વસ્થ થાય તે માટે તબીબો દ્વારા નિદાન કરી દવા પણ આપવામાં આવી છે.
પૂર બાદ સૌથી મહત્વની બાબત લોકોને પીવા માટેનું શુધ્ધ પાણી મળે તે હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા પીવાના પાણીના સ્ત્રોતમાં લીકેજ હોય તો તે અંગે તપાસ કરતા ૧૩ લીકેજ મળી આવ્યા હતા જે અંગે જે તે વિસ્તારની પાલિકા અથવા ગ્રામ પંચાયતને જાણ કરતા તમામ લીકેજ રીપેર કરી દેવામાં આવ્યા હતા. લોકોના ઘરે હાલમાં જે પીવાનું પાણી આવી રહ્ના છે તે પીવા યોગ્ય છે કે કેમ તે જાણવા કલોરીનેશન ટેસ્ટ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૧૭૨૯ ટેસ્ટમાંથી ૧૧૫૫૯ ટેસ્ટ પોઝીટીવ અને ૧૮૩ ટેસ્ટ નેગેટીવ આવ્યા હતા, જેથી લોકોને જે તે પાણી પીવા માટે ના પાડવામાં આવી હતી. આ સાથે જ પાણીના ક્લોરીનેશન માટે ૧૫૨૪૪૫ જેટલી ક્લોરીનનની ગોળીઓનું ઘરે ઘરે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય સેવા ભાવી સંસ્થાઓ દ્વારા લોકોને પીવાનું શુધ્ધ પાણી પણ પુરુ પડાઈ રહ્ના છે.
જિલ્લા કલેકટર નીતિન સાંગવાનનાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે પણ પૂર અસરગ્રસ્ત ગામડા હોય ત્યાં મેડિકલ કેમ્પનું આયોજન કરવા માટે જણાવ્યું હતું. જે મુજબ ઈન્ચાર્જ સીડીઍચઓ ડો.ઍ.કે.સિંઘના સુપરવિઝન હેઠળ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં ૧૪૬ મેડિકલ કેમ્પ કરવામાં આવ્યા છે, જેમાં ૬૨૮૦ દર્દીની તપાસ કરવામાં આવી હતી. જેઓને વિવિધ બિમારીઓનું નિદાન કરી દવાની સાથે ૩૪૪૩ ઓરઆરઍસ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સતત સર્વેલન્સ, મેડિકલ કેમ્પો, શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, ક્લોરીનેશન અને દવાના વિતરણ જેવી સઘન કામગીરીના કારણે પૂર બાદ સંભવિત રોગચાળાને અટકાવવા અસરકારક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્ના છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવા, ઉકાળેલું અથવા ક્લોરીનેટેડ પાણી પીવા અને કોઈપણ પ્રકારની તબિયત બગડે તો નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા મેડિકલ કેમ્પનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે.
