રાતા ખાડી અને કોલક નદી લાગુ ગામોમાં અનેક કાચા ઘરો તબાહ
- byDamanganga Times
- 27 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૨૬ ઃ ગુરુવારે રાતે પડેલા મુશળધાર વરસાદ અને રાતા ખાડી તથા કોલક નદીમાં આવેલા પૂરની ભયાનકતા શનિવારે દિવસના અજવાળે સામે આવી. વાપી નજીકના કાંઠા વિસ્તારના ગામોમાં પૂરે ભારે તારાજી સર્જી છે. અનેક કાચા ઘરો ધરાશાયી થયા છે અને ઘરવખરી સાથે અનાજ પણ પાણીમાં તણાઈ ગયું છે.
રાતા ખાડી કિનારે આવેલા રાતા, કોચરવા, વંકાછ તેમજ કોલક નદી કિનારે આવેલા પાંડોર, અંબાચ સહિતના ગામોમાં ૭૦ ટકા જેટલા ઘરોમાં પૂરનું પાણી ફરી વળ્યું હતું. કેટલાક ઘરોમાં છાતી સુધી પાણી ભરાઈ ગયા હતા. પાણીના જોરદાર પ્રવાહમાં કાચા મકાનો તૂટી પડતા ગ્રામજનો માત્ર પહેરેલા કપડાં સાથે જ ઘર છોડીને નાસી છૂટ્યા હતા.
પૂર ઓસર્યા બાદ ગામોમાં કાદવ, કીચડ અને તૂટેલા ઘરોના ઢગલા જોવા મળી રહ્ના છે. અનેક ઘરોની ઘરવખરી, કપડાં, અનાજ અને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે. ખેતીના સાધનો અને પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે.બુધવાર રાત્રેથી લઈ ગુરુવાર સાંજ સુધી પડેલા સાંબેલાધાર વરસાદ અને મધુબન ડેમમાંથી છોડેલા ધસમસતા પાણીથી નદી કિનારાના મુખ્ય માર્ગથી પણ ૧૨ ફૂટ ઉપર પાણી ભરાઈ જતાં મુખ્ય માર્ગની દુકાનો અને હોટેલોમાં, તેમજ વિવિધ ફળિયાના ઘરોમાં ફર્નિચર, ફ્રીજ, અનાજ અને અન્ય માલ-સામાન તણાઈ ગયો હતો. લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્ના છે. ગામોમાં બુધવાર રાતથી શનિવાર મોડી રાત્રે સુધી વીજળી અને કેટલાક મોબાઈલ નેટવર્ક ખોરવાયા છે.
