Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

પાનવામાં વરસાદથી ઍક મકાન પર ડુંગર ધસ્યો, બીજું પૂરમાં તણાયું

પાનવામાં વરસાદથી ઍક મકાન પર ડુંગર ધસ્યો, બીજું પૂરમાં તણાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૬ ઃ ધરમપુર તાલુકામાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા અતિભારે વરસાદને પગલે અંતરિયાળ વિસ્તારોમાં નુકસાનના બનાવો સામે આવી રહ્ના છે. પાનવા ગામના હાદાલ ફળિયામાં ભારે વરસાદના કારણે ઍક મકાન પર ડુંગર ધસી પડતાં મકાનને ભારે નુકસાન થયું હતું. જ્યારે આ જ વિસ્તારમાં અન્ય ઍક પરિવારનું મકાન લાવરી નદીમાં આવેલા પૂરના પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયું હતું.
પ્રા વિગતો મુજબ, હાદાલ ફળિયામાં રહેતા દિનેશભાઈ કાળુભાઈ ઓઝર્યા ચાર સભ્યોના પરિવાર સાથે ઘરે હતા. દરમિયાન લાવરી નદીમાં અચાનક પૂર આવતા પાણીનું સ્તર વધીને તેમના ઘર સુધી પહોંચી ગયું હતું. પરિસ્થિતિની ગંભીરતા સમજી પરિવારજનો સમયસર સલામત સ્થળે ખસી ગયા હતા. ત્યારબાદ નદીના પાણીનો પ્રવાહ વધુ તેજ બનતાં તેમનું મકાન પૂરના પાણીમાં તણાઈ ગયું હતું.
બીજી તરફ, હાદાલ ફળિયામાં જ ભારે વરસાદના કારણે ઍક મકાન પર ડુંગર ધસી પડતાં મકાનને નુકસાન પહોંચ્યું હતું. બંને ઘટનાઓમાં પરિવારજનો સમયસર સલામત સ્થળે ખસી જતાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને પરિવારોને મકાનના નુકસાનના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. બનાવની જાણ થતાં નુકસાનની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાનવા ગ્રામ પંચાયતના સભ્ય શંકરભાઈના જણાવ્યા મુજબ, તલાટી અને ગામસેવક દ્વારા સ્થળની મુલાકાત લઈ થયેલા નુકસાનની વિગતોની તપાસ કરવામાં આવી છે. અસરગ્રસ્ત બંને પરિવારોને સરકાર તરફથી મળવાપાત્ર સહાય મળી રહે તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અતિભારે વરસાદ વચ્ચે બનેલી આ ઘટનાઓને પગલે સ્થાનિકોઍ અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સરકારી સહાય આપવામાં આવે તેમજ થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરી વહેલી તકે રાહત મળે તેવી માંગ કરી છે.