Damanganga Times.

Damanganga Times.

July 27, 2026

નરોલીમાં લોકો સ્મશાનમાં જ મૃતદેહને છોડીને ભાગી ગયા!

નરોલીમાં લોકો સ્મશાનમાં જ મૃતદેહને છોડીને ભાગી ગયા!


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૬ ઃ ગઈકાલે તા. ૨૫ જુલાઈ, ૨૦૨૬ના રોજ બપોરે ૩ઃ૩૦ કલાકે મધુબન ડેમ તૂટી ગયો હોવાની સોશિયલ મીડિયામાં અને મૌખિક રીતે ફેલાયેલી અફવાને કારણે વાપી, દાદરા નગર હવેલી, સેલવાસ દમણ  તેમજ ઉમરગામ પંથકમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. અફવાના પગલે અનેક લોકો સુરક્ષિત સ્થળે જવાની તૈયારીમાં લાગી ગયા હતા.
આ દરમિયાન દાદરા નગર હવેલીના નરોલી વિસ્તારના ઍક વૃદ્ધના અવસાન બાદ તેમના અંતિમ સંસ્કાર માટે મૃતદેહને દમણગંગા નદી કિનારે આવેલા સેલવાસ સ્મશાનઘાટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. તે દરમિયાન ઍક ઇનોવા કારમાં આવેલા ઍક વ્યક્તિઍ ત્યાં હાજર લોકોને જણાવ્યું કે મધુબન ડેમ તૂટી ગયો છે અને ભારે પૂર આવવાનું હોવાથી તાત્કાલિક સ્થળ છોડો. આ વાત સાંભળતા જ અંતિમવિધિમાં હાજર લોકો ગભરાઈ ગયા અને મૃતદેહને ત્યાં જ મૂકીને સ્થળ પરથી નીકળી ગયા. પછી વલસાડના જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાન તથા દાદરા નગર હવેલીના નાયબ કલેક્ટર અમિત કુમારે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી કે મધુબન ડેમ સંપૂર્ણપણે સુરક્ષિત છે અને ડેમ તૂટ્યાની વાત માત્ર અફવા છે. ત્યારબાદ લોકોમાં શાંતિ પ્રસરી હતી. લગભગ ઍકથી દોઢ કલાક બાદ પરિવારજનો અને અન્ય લોકો ફરી સ્મશાનઘાટે પહોંચ્યા અને મૃતકના અંતિમ સંસ્કાર પૂર્ણ કરવામાં આવ્યા.
આ સમગ્ર ઘટનાઍ અફવાઓના ગંભીર પરિણામો સામે લાવ્યા છે. સોશિયલ મીડિયામાં મધુબન ડેમ તૂટવાની ખોટી માહિતી ફેલાવનાર તત્વોને શોધી તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકલાગણી અને ચર્ચાઓ સમગ્ર વિસ્તારમાં જોવા મળી રહી છે.