વલસાડમાં પૂર ઓસર્યા બાદ સફાઇ અભિયાન શરુ
- byDamanganga Times
- 27 July, 2026
(દમણગંગા ટાઈમ્સ )
વલસાડ, તા. ૨૬ ઃ વલસાડ જિલ્લામાં આવેલા પુરના કારણે નગરપાલિકા વિસ્તારના દાણા બજારમાં ભારે નુકશાન થયું હતું. કલેકટર નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ નગરપાલિકા દ્વારા સડેલા અનાજનો જથ્થો દુર કરવા યુધ્ધના ધોરણે સફાઇ અભિયાન હાથ ધરાયુ છે. આ સફાઇ અભિયાનમાં પારડી અને ધરમપુર નગરપાલિકા પણ જોડાઇ છે. ટ્રકો, ટ્રેકટરો જેસીબીનો કાફલો ઉતારી સફાઇ અભિયાનને વધુ તેજ બનાવ્યું છે. સફાઇ અભિયાન પર વહીવટીતંત્ર સતત નજર રાખી રહયું છે. શહેરમાં કોઇ રોગચાળો કે ગંદકી ન ફેલાઇ તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. વલસાડના શહેરમાં પૂરના કારણે સૌથી વધુ ખાનાખરાબી દાણાબજાર છીપવાડ ખાતે થતા જિલ્લા વહીવટી તંત્ર સર્તક થઈ ગયું હતું. દુકાનોમાં પલળી ગયેલુ અનાજ સડી ન જાય તે માટે યુધ્ધના ધોરણે વલસાડ પાલિકા દ્વારા સફાઈ અભિયાન પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યુ છે.
વલસાડ પાલિકાના ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા ખડેપગે અહીં ઉભા રહી ટીમ પાસે દુકાનમાં બગડેલો માલ બહાર કઢાવી જેસીબી અને ટ્રેકટરમાં સફાઈ કરાવી હતી.
રોગચાળો ન ફેલાઈ તે માટે વલસાડ નગરપાલિકા દ્વારા ખૂબ જ ઝડપી સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.
