સેલવાસમાં ૪ દિવસમાં ૫૨ ઈંચ વરસાદ : બે ના મોત
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૪ ઃ દાદરા અને નગર હવેલીમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન ૧૩૧૦.૨૫ મીમી વરસાદ નોંધાતા સમગ્ર જિલ્લામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુરુવારે થયેલા રેકોર્ડબ્રેક વરસાદ બાદ શુક્રવારે વરસાદની તીવ્રતા ઘટી હતી, પરંતુ સમગ્ર જિલ્લામાં રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ રહી હતી. જિલ્લા પ્રશાસન, નગરપાલિકા, પોલીસ, ફાયર વિભાગ, ઍનડીઆરઍફ, ભારતીય કોસ્ટ ગાર્ડ સહિતની વિવિધ ઍજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરતી રહી હતી.
ભારતીય હવામાન વિભાગ અમદાવાદે આગામી ૨૪થી ૪૮ કલાક દરમિયાન ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ઍ ૨૫ અને ૨૬ જુલાઈઍ તમામ સરકારી અને ખાનગી શાળાઓ, કોલેજો, પોલિટેકનિક, આઈટીઆઈ, આંગણવાડી તેમજ ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી છે.
જોકે શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓને ફરજ પર હાજર રહેવા સૂચના આપવામાં આવી છે, જેથી જરૂર પડે તો શૈક્ષણિક સંસ્થાઓનો ઉપયોગ રાહત શિબિર તરીકે કરી શકાય.
