વલસાડ જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા ઃ ૭ લોકોના મોત
- byDamanganga Times
- 25 July, 2026
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લામાં ગુરૂવારે વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ પડ્યા બાદ બીજા દિવસે મેઘરાજા ધીમા પડ્યા હોય ઍમ ધીમે ધારે નાના મોટા ઝાપટાં વરસ્યા હતા. જેથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત કાર્ય તેજ ઝડપથી કરવામાં આવી રહ્નાં છે. આજે પણ છુટાછવાયા વિસ્તારમાં ફસાયેલા ૧૪૦ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. સૌથી વધુ કપરાડા તાલુકામાં ૭૪ મી.મી. પડ્યો હતો. જ્યારે બાકીના તાલુકામાં જોઈઍ તો, વલસાડમાં ૧૮ મી.મી., ધરમપુરમાં ૩૪ મી.મી., પારડીમાં ૩૧ મી.મી., ઉમરગામમાં ૫ મી.મી., વાપીમાં ૨૦ મી.મી. અને નાનાપોંઢામાં ૪૦ મી.મી. નજીવો વરસાદ નોંધાયો હતો. જો કે આજની સાથે જિલ્લાનો સિઝનનો કુલ વરસાદ અત્યાર સુધીમાં ૨૧૮૦.૨૩ મી.મી. ઍટલે કે, ૮૭.૨૩ ઈંચ થયો છે. પૂરના પાણી ઓસર્યા બાદ આજે વિવિધ જગ્યાથી માનવ મૃતદેહ મળી આવ્યા હતા, કોઈક જગ્યાઍ મકાન તુટી પડવાથી, તો ક્યાંક પાણીમાં ડુબી જવાથી મોતના બનાવ સામે આવ્યા હતા. જેમાં ૭ લોકોના મૃત્યુ થયું હોવાનું જણાયુ છે. જેમાં પાણીમાં ડુબી જવાથી ૫ લોકોના અને ઝાડ પડવાથી ઍક અને અન્ય કોઈ રીતે ઍક વ્યકિતનું મોત થયું હતું. આ સિવાય આજરોજ શુક્રવારે ૯ કાચા અને ૨૫ પાકા મકાન તેમજ ઍક કેટલ શેડને નુકસાન થયું હતું.
