Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

વલસાડની હાલની પરિસ્થિતિઍ ઈ.સ. ૧૯૬૮ની ભયાનક રેલની યાદ અપાવી

વલસાડની હાલની પરિસ્થિતિઍ ઈ.સ. ૧૯૬૮ની ભયાનક રેલની યાદ અપાવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ અને આસપાસના વિસ્તારોમાં બુધવારે  મધ્યરાત્રિઍ અચાનક આવી ચડેલા ધસમસતા પૂરના પાણીઍ ભારે તારાજી સર્જી છે. કાળઝાળ ઝડપે વધેલા પાણીને કારણે લોકોને ૫૮ વર્ષ પહેલાં, ઍટલે કે વર્ષ ૧૯૬૮માં આવેલી વિનાશક રેલની ભયાનક યાદો તાજી થઈ ગઈ હતી. લોકો જ્યારે ઘાઢ નિંદ્રામાં હતા ત્યારે જ કાળ બનીને ત્રાટકેલા પૂરે સમગ્ર નીચાણવાળા વિસ્તારોને બાનમાં લીધા હતા. પૂરના પાણી ઍટલી ઝડપથી નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી ગયા કે લોકોને ઘરમાંથી કીમતી ઘરવખરી, અનાજ કે વાહનો સલામત સ્થળે ખસેડવાનો સહેજ પણ સમય મળ્યો નહોતો. જોતજોતામાં વલસાડ શહેરના અનેક ગામો જળમગ્ન થઈ ગયા હતા. અચાનક આવી પડેલી આ આફતમાં તંત્ર તરફથી સમયસર બચાવ કામગીરી શરૂ ન કરાતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક ગામોમાં લોકો ઘરોમાં ફસાયા હતા. અચાનક ઘરમાં પાણી ઘૂસી જતાં શું કરવું અને શું ન કરવું તેની કશી સૂઝ પડતી નહોતી. પાણી ઍટલી ઝડપે વધી રહ્ના હતા કે જીવ બચાવવો જ પ્રાથમિકતા બની ગઈ  હતી. પૂરના કારણે વલસાડના મુખ્ય વેપારી મથક ઍવા છિપવાડ અને દાણા બજારની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે અનાજ, કઠોળ અને અન્ય વેપારી માલસામાન પલળી જતાં વેપારીઓને વ્યાપક આર્થિક ફટકો પડ્યો છે. અનેક ઘરોમાંથી ઘરવખરીનો સામાન, ફર્નિચર અને વાહનો પૂરના ધસમસતા -વાહમાં તણાઈ ગયા હતા. પૂર ઓસરતાં જ સામે આવ્યું વિનાશનું વરવું દ્રશ્ય શુક્રવારે પૂરના પાણી ઓસરવાનું શરૂ થતાં જ ચારેય તરફ વિનાશના ઍંધાણ સ્પષ્ટ દેખાતા હતા. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોની સોસાયટીઓ અને રસ્તાઓ પર ચારેય તરફ કાદવ-કીચડના સામ્રાજ્ય સાથે ગંદકી ખડકાઈ ગઈ હતી. તણાઈને આવેલા તૂટેલા ફર્નિચર અને ઘરોનો કાટમાળ રસ્તાઓ પર વેરવિખેર પડ્યો હતો. સ્થાનિક લોકો હવે પોતાના ઘરોમાંથી કાદવ હટાવવા અને બચેલો સામાન સાફ કરવામાં જોતરાયા છે.