નાયબ મુખ્યમંત્રી પૂરથી તારાજી બાદ જાત તપાસ માટે વલસાડ પહોંચ્યા
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી મોડી રાત્રે વલસાડની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આવતાની સાથે જ તેમણે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિત અંગે સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્યના નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. જિલ્લા કલેકટર નીતિન સાંગવાને ગુરૂવારના રોજ જિલ્લામાં અને ખાસ કરીને ઉમરગામમાં ઍક જ દિવસમાં ઈતિહાસમાં સૌથી વધુ ૧૦૬૪ મી.મી. ઍટલે કે, ૪૨.૫૬ ઈંચ પડવા અંગે અને સિઝનનો સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકામાં ૨૫૬૬ મી.મી. ઍટલે કે, ૧૦૨.૬૪ ઈંચ પડવા અંગે માહિતી આપી હતી. તંત્ર દ્વારા ઍક જ દિવસમાં ૧૨૩૭૬ લોકોને સુરક્ષિત જગ્યાઍ સ્થળાંતર કરવાયાનુ઼ જાણી નાયબ મુખ્યમંત્રી સંઘવીઍ જિલ્લા વહીવટી તંત્રના વડા નીતિન સાંગવાન અને તમામ ટીમ વલસાડ ને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.
તેમણે વધુમાં જણાવ્યું કે, નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઓસરતા સૌથી મોટી અને મહત્વની કામગીરી હવે સાફ સફાઈ અને દરેક નાગરિકના સ્વાસ્થ્યની દરકાર લેવાની રહેશેનું જણાવી તેમણે રોગચાળો ન ફેલાય તે માટે ઘર વખરીનો તમામ સામાન અને સડેલા અનાજનો જથ્થો સુવ્યવસ્થિ ઢબે નિકાલ કરવા માટે જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે ૧૭ જેટલા ઉચ્ચ અધિકારીઓની ફાળવણી વલસાડ જિલ્લામાં કરવામાં આવી છે તેમના દ્વારા વલસાડ જિલ્લો ઝડપભેર બેઠો થાય તેવી આશા ડે.સીઍમ ઍ વ્યક્ત કરી હતી. પૂરની સ્થિતિમાં વેપારી તેમજ દુકાનદારોને જે નુકસાન થયું હોય તે અંગે વીમા કંપની સાથે બેઠક કરી વહેલી તકે લોકોના ક્લેઈમ મંજૂર થાય તેવા પ્રયાસ કરવા સૂચન કર્યુ હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ ભાઈ સંઘવીઍ તેમની વલસાડ મુલાકાત દરમ્યાન ભારે વરસાદને કારણે ટ્રેનો રદ્દ થતા વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત બાદ નાયબ મુખ્યમંત્રીઍ વલસાડના છીપવાડ અને ઔરંગા નદીના પુલ પર પહોંચી પાણીના પ્રવાહનું નિરીક્ષણ કર્યું હતું.
