વાપીમાં જે-ટાઈપ અને રેલ્વે અન્ડરબ્રિજ બે દિવસે ખુલ્યાં
- byDamanganga Times
- 25 July, 2026
વાપીમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે પૂર્વ અને પડ્ઢિમ વિસ્તારને જોડતા જે-ટાઇપ રેલવે અન્ડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા બુધવારે સાંજે આશરે ૮ વાગ્યાથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો હતો. અન્ડરબ્રિજમાં મોટા પ્રમાણમાં પાણી ભરાવાને કારણે હજારો વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી, જેના કારણે છેલ્લા ૪૮ કલાકથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
વાપી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સતત પાણીના નિકાલ અને સાફ-સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અન્ડરબ્રિજમાં જમા થયેલો કચરો, માટી અને અન્ય અવરોધો દૂર કર્યા બાદ વરસાદી પાણીનો નિકાલ શક્ય બન્યો હતો. ત્યારબાદ શુક્રવારે સાંજે આશરે ૭ઃ૩૦ કલાકે જરૂરી કામગીરી પૂર્ણ થતાં જે ટાઈપ રેલવે નો અન્ડરબ્રિજ ફરીથી વાહનચાલકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. માર્ગ ખુલ્લો થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોઍ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે, ભારે વરસાદ દરમિયાન વાપીના આ અંડર બ્રિજમાં વારંવાર સર્જાતી આવી સમસ્યાના કાયમી ઉકેલ માટે વાપી મહાનગરપાલિકાના સત્તાધારી પક્ષ અને વિપક્ષ તેમજ જવાબદાર અધિકારીઓઍ યોગ્ય આયોજન કરવાની માંગ સ્થાનિકોમાંથી ઉઠી રહી છે.
