પૂનાટ આશ્રમની ૭૦થી વધુ ગૌમાતા દરોઠાના પૂરમાં તણાઈ ગઈ
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ પૂનાટ ગામે થી પસાર થતી દારૂઠા ખાડીમાં આવેલા પૂરના પાણીથી અખંડાનંદ આશ્રમમાં ભારે નુકસાન, સાથે ગૌશાળામાં રહેલી ૧૫૦ માંથી ૭૦થી વધુ ગૌમાતાઓ પૂરના પાણીના વધારે પડતા પ્રવાહમા તણાઈ ગઈ.
ઉમરગામ તાલુકાના પુનાટ ગામે દારૂઠા ખાડીના કિનારે આવેલ અખંડાનંદ આશ્રમમાં ભારે વરસાદ અને પૂરના પાણીના પ્રચંડ પ્રવાહને કારણે ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આશ્રમની ગૌશાળામાં રહેલી ૧૫૦થી વધુ ગાયોમાંથી ૭૦થી વધુ ગૌમાતાઓ પૂરના પાણીમાં તણાઈ જતાં ભારે નુકસાન થયું છે. પૂરના પાણી અચાનક આશ્રમમાં ઘૂસી આવતા આશ્રમમાં રહેતા સ્વયંસેવકો, સાધકો અને ૩૨ વિદ્યાર્થીઓઍ જીવ બચાવવા માટે આશ્રમના ત્રીજા માળે આશરો લીધો હતો. આશરે ૩૦ કલાકથી વધુ સમય સુધી તેઓ પૂરના પાણી વચ્ચે ફસાયેલા રહ્ના હતા. આશ્રમમાં કુલ ૫૫થી ૬૦ જેટલા લોકો રહે છે, જેમાં ૩૨ વિદ્યાર્થીઓ આશ્રમમાં રહીને અભ્યાસ કરે છે. સ્થાનિક લોકો અને તંત્રની મદદથી તેમની સલામતી સુનિડ્ઢિત કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતાં રાત્રે ઉમરગામ તાલુકાના ગૌરક્ષકો તેમજ આજુબાજુના ગામના લોકો આશ્રમે પહોંચ્યા હતા પરંતુ પૂરના પાણીમાં તેઓ ગાયોને બચાવી શક્યા ન હતા આજે ઉમરગામના ધારાસભ્ય અને ગુજરાત સરકારના માજી મંત્રી રમણભાઈ પાટકર, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય દીપકભાઈ મિસ્ત્રી તેમજ પુનાટ ગામના સરપંચે આશ્રમની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આગેવાનોઍ આશ્રમના સંચાલકોને સાંત્વના પાઠવી નુકસાનનું મૂલ્યાંકન કરી સરકાર તરફથી જરૂરી સહાય ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કરવાની ખાતરી આપી હતી.
