વાપીમાં ૩૬ કલાકમાં ૩૬ ઈંચ વરસાદ ઝીંકાયો
- byDamanganga Times
- 25 July, 2026
વાપીમાં માત્ર ૩૬ કલાકમાં ૩૬ ઇંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર શહેર અને આસપાસનો વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ભારે વરસાદના કારણે વાપી ટાઉન તેમજ જીઆઈડીસી ઉદ્યોગનગર વિસ્તારમાં અનેક સ્થળોઍ પાણી ભરાઈ જતાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી હતી. મંગળવારે વાપી પંથકમાં ચાલુ ચોમાસાનો કુલ વરસાદ ૧,૦૭૧ મીમી નોંધાયો હતો. જોકે સતત ધોધમાર વરસાદને કારણે ગુરુવારે રાત્રે ૧૨ વાગ્યા સુધીમાં કુલ વરસાદ ૧,૮૭૫ મીમી સુધી પહોંચી ગયો હતો. ઍટલે કે માત્ર ૩૬ કલાકમાં જ અંદાજે ૮૦૪ મીમી (લગભગ ૩૬ ઇંચ) વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ, મુખ્ય માર્ગો તેમજ જીઆઈડીસીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર અને દૈનિક જનજીવન ખોરવાઈ ગયું હતું. વાપીમાં ચાલુ ચોમાસા દરમિયાન કુલ ૧,૮૭૯ મીમી ઍટલે કે આશરે ૭૫.૦૪ ઇંચ વરસાદ નોંધાયો છે, જે આ સિઝનના ભારે વરસાદની ગંભીર સ્થિતિ દર્શાવે છે.
