દમણગંગાના કિનારેના રામ મંદિરની ટોચે ૩ વ્યકિત બે દિવસ રામભરોસે જ રહ્ના !
- byDamanganga Times
- 25 July, 2026
વલવાડા ગામે આવેલા રામ મંદિરમાં ફસાયેલા ત્રણ ભક્તોનો આખરે ૪૮ કલાકથી વધુ સમય બાદ હેમખેમ બચાવ થયો હતો.
મધુબન ડેમ ના ઉપરવાસમાં તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ને લઇ વહીવટી તંત્ર દ્વારા દમણ ગંગા નદીમાં ૪ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા દમણગંગા નદીમાં અચાનક જળપ્રવાહ વધ્યો હતો. જેના કારણે નદી કિનારે આવેલા રામ મંદિરના પરિસરમાં પાણી ફરી વળતાં મંદિરમાં રહેલા ત્રણ ભક્તોઍ પોતાનો જીવ બચાવવા માટે મંદિરના ઘુમ્મટ પર આશરો લીધો હતો. ફસાયેલા ભક્તોઍ સતત બે દિવસ સુધી અનેક લોકો અને જવાબદાર અધિકારીઓનો સંપર્ક કરી મદદ માગી હતી. બીજા દિવસે ઘટનાની જાણ વાપી રેલવે વિભાગમાં કામ કરતા કર્મચારીઓને થતાં તેમણે પણ બચાવ માટે પ્રયાસો કર્યા, પરંતુ સમયસર રાહત મળી શકી નહોતી.
આ અંગે વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા તેમના મતવિસ્તારમાં કોઈપણ વ્યક્તિ કે વરસાદમાં ફસાયેલા ને મદદરૂપ થવા માટે રીલ બનાવી વિડિયો વહેતો કર્યો હતો અને તેમના ખાસ વિશ્વાસુ ને જાણ કરવામાં આવે તો તાત્કાલિક મદદ મળશે તેમ જણાવ્યું પરંતુ તેમના સૂચન મુજબ વાપીના શિલ્પેશ દેસાઈ તથા નોટિફાઇડ ઍરિયાના અમન ત્રિવેદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. ત્યારબાદ વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મિતેશ દેસાઈ તેમજ જનસંપર્ક અધિકારી રામચંદ્ર દેસાઈને ફોટોગ્રાફ સાથે સમગ્ર સ્થિતિથી અવગત કરવામાં આવ્યા હતા. જોકે દમણગંગા નદીમાં ભારે પ્રવાહને કારણે તેમની ટીમ પણ મંદિર સુધી પહોંચી શકી નહોતી.સ્થાનિકોના જણાવ્યા મુજબ દમણ ક્રોસગાર્ડની બચાવ ટીમ પાસેથી પણ મદદ મળી નહોતી.અંતે શુક્રવારે નદીનું જળસ્તર ઘટતાં ત્રણેય ભક્તો ૪૮ કલાકથી વધુ સમય સુધી મંદિરના ઘુમ્મટ પર ફસાયેલા રહ્ના બાદ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્ના હતા. જોકે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક તાલુકામાં અને મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પૂરગ્રસ્ત કે વરસાદમાં ફસાયેલા ને બચાવવા માટે કરવામાં આવેલી વ્યવસ્થા સાવ નિષ્ફળ ગઈ હોય તેમ જણાવ્યું હતું આ અંગે જિલ્લા કલેકટર અને જવાબદાર અધિકારીઓઍ તપાસ કરી યોગ્ય પગલાં લેવાની જરૂર છે.
