કોલક અને રાતા ખાડીના કાંઠાના ગામોમાં તારાજી
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વાપી, તા. ૨૪ ઃ દક્ષિણ ગુજરાતમાં સતત પડી રહેલા મુશળધાર વરસાદના પગલે કોલક નદી અને રાતા ખાડીમાં આવેલા પૂરે વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. રાતા, વાંકછ, પંડોર, અંબાચ, કોપરલી સહિતના ગામોના અનેક ફળિયામાં પાણી ઘૂસી જતાં ઘરો, ઘરવખરી અને પશુધનને મોટું નુકસાન થયું છે. કેટલાક સ્થળોઍ છાતી સુધી પાણી ભરાઈ જતા સ્થાનિક યુવાનોઍ સમયસર બચાવ કામગીરી કરી અનેક લોકોનો જીવ બચાવ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદથી રાર્તીખાડી અને કોલક નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પરિણામે નદીકાંઠાના ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રાતા ખાડી અને પંડોર બ્રિજ પરથી લગભગ ૧૫ ફૂટ ઊંચાઈઍ પાણી વહેતું હતું. પ્રવાહની તીવ્રતાને કારણે અનેક માર્ગો અને પુલોને નુકસાન પહોંચ્યું છે. પૂરની સૌથી વધુ અસર પંડોરના દેસાઈવાડા અને હળપતિવાસમાં જોવા મળી હતી. અહીં અનેક ઘરોમાં અનાજ, ફર્નિચર અને કિંમતી સામાન પાણીમાં તણાઈ ગયો હતો. પાણી ઓસર્યા બાદ ઘરોમાં કાદવ-કીચડના થર જામ્યા છે. અનેક ગામોમાં પશુધન પણ તણાતા ગ્રામજનોને આર્થિક ફટકો પડ્યો છે. રાતા ખાડીનો બ્રિજ ક્ષતિગ્રસ્ત થતા ભારે વાહનોની અવરજવર બંધ છે. માત્ર હળવા વાહનો માટે સ્થાનિક યુવાનોઍ કામચલાઉ વ્યવસ્થા કરી હતી. કોલક નદી તરફનો પંડોરનો માર્ગ પણ ધોવાઈ જતા અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો અને મોબાઈલ નેટવર્ક પણ ખોરવાયા છે. પંડોરમાં બે લોકોના મોતની આશંકા છે, જેની સત્તાવાર પુષ્ટિ બાકી છે. તંત્ર દ્વારા નુકસાનનું સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોઍ તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી છે.
