Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

વાપી ફાયર બ્રિગેડે ૭૦થી વધુને ઉગાર્યા

વાપી ફાયર બ્રિગેડે ૭૦થી વધુને ઉગાર્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૪ ઃ વાપીમાં પૂર જેવી સ્થિતિ વચ્ચે વાપી ટાઉન ફાયર બ્રિગેડના જવાનોઍ માનવતાની મિસાલ કાયમ કરી છે. ગઈકાલે શહેરના વિવિધ વિસ્તારોમાં ફસાયેલા કુલ ૭૦થી વધુ લોકોને ફાયરના જવાનોઍ ભારે જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યા હતા. સૌથી મોટી કામગીરી સલવાવ ખાતે કરવામાં આવી હતી. અહીં સવારથી જ ઍક મકાનના ટેરેસ ઉપર ૨૫થી વધુ લોકો પાણીમાં ફસાઈ ગયા હતા. સ્થળ સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હોવાથી ફાયરના જવાનોઍ લગભગ ૩ થી ૪ કલાક સુધી અથાક મહેનત કરી. વીજળીના કેબલના સહારે ૭૦૦ મીટરનો રોડ મેપ ખેંચીને જવાનો પાણીમાં તરીને સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ તમામને લાઈફ જેકેટ પહેરાવી ઍક-ઍક કરીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં સલવાવના માજી સરપંચ શૈલેષ પાટલેઍ પણ ફાયર ટીમને સાથ સહકાર આપ્યો હતો.
આ ઉપરાંત ફાયર બ્રિગેડની ટીમે વાપી રમજાન વાડી, કરવડ અને બિલાડી કબ્રસ્તાન રોડ સહિતના જળમગ્ન વિસ્તારોમાંથી ૪૦થી વધુ લોકોનું રેસ્ક્યૂ કરી તેમને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પણ ફાયર જવાનોઍ દાખવેલી હિંમત અને સેવાને કારણે અનેક પરિવારોનો જીવ બચી શક્યો હતો.