મરઘમાળમાં ૧૧ ઘરોમાં પાણી ઘૂસ્યાં
- byDamanganga Times
- 25 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૨૪ ઃ ધરમપુર તાલુકાના મરઘમાળ ગામમાં ભારે વરસાદના પગલે નદીઍ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ગામમાં ભારે નુકસાન થયું છે. નદીના ધસમસતા પ્રવાહમાં નિશાળ ફળિયાના શુભદ્રાબેન ગમનભાઈ અને -કાશભાઈ ભાયલભાઈના બે મકાનો તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. નદીના ભારે પ્રવાહના કારણે ગિરીશભાઈ ધીરુભાઈ અને રાજેશભાઈ કચરુંભાઈના પશુઓના શેડ પણ તણાઈ ગયા હતા. બીજી તરફ, રામકુંડ ફળિયા, નિશાળ ફળિયા અને પટેલ ફળિયાના કુલ ૧૧ ઘરોમાં નદીનું પાણી ઘૂસી જતાં સ્થાનિક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ વધુ ગંભીર બનતાં સરપંચ રજનીભાઈ પટેલ અને ગામના નવયુવાનોઍ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. દરમિયાન કુલ ૬૦ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. સાથે જ ગામના પશુઓને પણ સુરક્ષિત રાખવા માટે ગ્રામ પંચાયતના શેડમાં ખસેડી બાંધવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ ગામમાં ભારે વરસાદના કારણે થયેલા નુકસાનનો પ્રાથમિક અંદાજ લેવામાં આવી રહ્ના છે. નદીના પ્રવાહમાં સતત વધારો થવાની શક્યતાને પગલે ગ્રામજનોને સાવચેત રહેવા અને જરૂરી કામ સિવાય નદી કિનારે ન જવા સુચનો કર્યા છે.
