Damanganga Times.

Damanganga Times.

July 25, 2026

વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે ૧૨૭૫૪ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, ૩૫૨ લોકોને રેસ્ક્યુ કરાયા

વલસાડ જિલ્લામાં પૂરની સ્થિતિ વચ્ચે ૧૨૭૫૪ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર, ૩૫૨ લોકોને રેસ્ક્યુ કરાયા


(દમણગંગા ટાઈમ્સ)
વલસાડ, તા. ૨૪ ઃ વલસાડ જિલ્લામાં પવનના સુસવાટા સાથે પડી રહેલા મુશળધાર વરસાદ ને પગલે દિવસભર અનેક ખાનાખરાબી સર્જાઈ હતી. આ સાથે જ અનેક લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતરિત પણ કરાયા હતા.
વલસાડ જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ પાસેથી મળતી વિગત મુજબ, વલસાડમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ વચ્ચે જિલ્લા કલેકટરશ્રી નીતિન સાંગવાનના માર્ગદર્શન હેઠળ રાહત કામગીરી વીજળી વેગે ચાલી રહી છે. આજરોજ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા અંદાજે ૧૨૭૫૪ લોકોનું સ્થળાંતર કરી તેઓને સુરક્ષિત રીતે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને રહેવા જમવા સહિતની સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરાયુ હતું.
વલસાડની ઔરંગા નદી અને ધરમપુરની સ્વર્ગવાહીની નદી ઓવરફલો થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ સિવાય વલસાડ શહેરના હાલરનું તળાવ પણ ઓવરફલો થયું હતું. જેના પાણીનો નિકાલ તંત્ર દ્વારા કરાયો હતો. ઍનડીઆરઍફ અને ઍસડીઆરઍફની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં પાણી વચ્ચે ફસાયેલા ૩૫૨ લોકોને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડયા હતા.
જિલ્લા વહીવટી તંત્રને આ કપરી સ્થિતિમાં અનેક સેવાભાવી સંસ્થાઓ મદદે આવી હતી જેમના દ્વારા ૩૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પવનના સુસવાટા સાથે વરસેલા દેમાર વરસાદને કારણે છ જેટલા વૃક્ષો ધરાશાયી થયા હતા જેને પગલે વાહન વ્યવહાર અવરોધાતા વન વિભાગ દ્વારા ટ્રી કટીંગ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ સિવાય આજરોજ ગુરૂવારે ૧૮ પશુના મૃત્યુ થયા હતા. જ્યારે ૨૭ કાચા અને ૧૧ પાકા મકાન તેમજ ઍક કેટલ શેડને નુકસાન થયું હતું.