વલસાડમાં ભારે વરસાદ વચ્ચે જર્જરિત મકાન ધરાશાયી
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગાટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૨ ઃ વલસાડ શહેરમાં ચાલુ ભારે વરસાદી માહોલ વચ્ચે ઍક મોટી હોનારત ટળી છે. શહેરના ધમધમતા અને મુખ્ય વિસ્તાર ગણાતા ઍમ.જી. રોડ પર આવેલું આશરે ૭૦ વર્ષ જૂનું ઍક મકાન ચોમાસાના ભારે વરસાદના કારણે અચાનક તૂટી પડ્યું હતું. જોકે, આ મકાન લાંબા સમયથી બંધ અને બિનરહેણાંક હોવાથી કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી, જેથી સ્થાનિકોઍ રાહતનો શ્વાસ લીધો હતો.
વલસાડમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા સતત અને ભારે વરસાદના કારણે આ જૂના મકાનની દીવાલો તેમજ છત પાણીથી નબળી પડી ગઈ હતી. મકાન અંદાજે સાત દાયકા જૂનું અને જર્જરિત હાલતમાં હોવાથી વરસાદી પાણીના ભાર અને ભેજના કારણે અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થઈ ગયું હતું. ધમાકાભેર મકાન તૂટી પડતાં જ આસપાસના રહીશો અને વેપારીઓમાં ક્ષણભર માટે ભારે અફરાતફરી મચી ગઈ હતી. વલસાડના ઍમ.જી. રોડ વલસાડનો અત્યંત વ્યસ્ત માર્ગ હોવાથી સામાન્ય રીતે અહીં લોકોની ચહલપહલ વધુ હોય છે. પરંતુ જે સમયે આ ઘટના બની તે સમયે આસપાસ કોઈ હાજર ન હોવાથી તેમજ મકાન સંપૂર્ણપણે ખાલી હોવાને કારણે ઍક મોટો અકસ્માત અટક્યો હતો. ઘટનાની જાણ થતા વલસાડ નગરપાલિકા ફાયર બ્રિગેડ ની ટીમ, ઓફિસ સુપ્રીટેન્ડન કાર્તિકભાઈ દેસાઈ, ઘટના સ્થળે દોડી ગયા હતા.
