વાપીમાં આભ ફાટ્યું, ૪૬ કલાકમાં ૨૦ ઇંચ વરસાદ
- byDamanganga Times
- 23 July, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૨૨ ઃ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ યથાવત છે. વાપીમાં છેલ્લા બે દિવસમાં ૪૬ કલાકમાં ૨૦ ઇંચથી વધુ વરસાદ પડતા શહેર ઠેર-ઠેર જળમગ્ન થઈ ગયું છે. સત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. હવામાન વિભાગના આંકડા મુજબ મંગળવારે સાંજે ૬ વાગ્યા સુધીના ૧૨ કલાકમાં ૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બુધવારે ૧૪ કલાકમાં વધુ ૭ ઇંચ વરસાદ ખાબક્યો હતો. બે દિવસની અંદર જ ૧૪ ઇંચ વરસાદ પડતા વાપી નદી અને ગટરો ઉભરાઈ હતી.
ધોધમાર વરસાદના કારણે શહેરમાં ૧૩ જેટલા સ્થળોઍ મોટા વૃક્ષો ધરાશાઈ થયા હતા. નામધા મોર ફળિયામાં ઍક મોટું ઝાડ ઘર પર પડતા ઘરનો ભાગ તૂટી પડ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
આ ઉપરાંત છરવાડા, સલવાવ કુંભારવાડ, સલવાવ માહ્નાવંશી ફળિયું, નામધા નાગેશ્વર મંદિર, નહેરુ સ્ટ્રીટ અને છરવાડા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાઈ થતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. શહેરના નીચાણવાળા વિસ્તારો ચલા, આઝાદ કોમ્પ્લેક્સ, નૂતનનગર અને વાપી જૂના ફાટક આસપાસ, ડુંગરા, ડુંગરી ફળિયાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘૂસી જતા લોકોનું ઘરવખરીને નુકસાન થયું છે.
વાપીના નાના-મોટા ગરનાળા પણ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. પાલિકા અને ફાયર વિભાગની ટીમો દ્વારા ધરાશાઈ થયેલા વૃક્ષો હટાવવા અને પાણીનો નિકાલ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.
તંત્ર દ્વારા લોકોને નદીકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાંથી સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે પણ ભારે વરસાદની આગાહી કરી છે.
