Damanganga Times.

Damanganga Times.

July 23, 2026

પારડી પંથકમાં જળબંબાકાર

પારડી પંથકમાં જળબંબાકાર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૨ ઃ પારડી પંથકમાં પણ અવિરત વરસી રહેલા વરસાદને કારણે ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને લઇ ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતાં.

 પારડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્ના છે. તેમજ પારડીનું ઐતિહાસિક ૯૯ ઍકરનું તળાવ ભરાઈ જતા પાલિકા પ્રમુખ સાથે સી.ઓ.ની ટીમ દ્વારા સુપડી તોડતા સ્થાનિક લોકોને રાહત થઇ હતી. જયારે મચ્છી માર્કેટ પાસે તળાવનું પાણી બહાર આવતા સ્થાનિક લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતાં. જેને પાલિકાની ટીમે જેસીબી દ્વારા નિકાલ કરવામાં  જોતરાયા હતાં.  પારડી શહેરના મુખ્ય વિસ્તારોમાં મોટાપ્રમાણમાં પાણી ભરાઈ ગયા હતા  ત્યારે હવામાન વિભાગ દ્વારા બે દિવસની ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી. તેમજ વલસાડ કલેકટરે શાળા કોલેજોમાં આજે જાહેર રજાની જાહેરાત કરી હતી અને સૌ નાગરિકોને કામ સિવાય બહાર ન  નીકળવાની અપીલ કરી હતી. જયારે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને પારડી નગરપાલિકાની ટીમ તાત્કાલિક ઍક્શનમાં આવી હતી. ચીફ ઓફિસર કોમલબેન, પ્રમુખ ચેતન નાયકા, કારોબારી ચેરમેન ચેતન ભંડારી, આરોગ્ય ચેરમેન કિરણ પટેલ, બાંધકામ ચેરમેન પ્રણવ દેસાઈ, વોટર વર્ક્સ ચેરમેન જિગ્નેશ પટેલ, ભૂમિ પારેખ, કૃતિકા ભંડારી, બીપીન પટેલ, નાસિર શેખ, ઍન્જિનિયર મોહસીનાબેન, સેનેટરી ઇન્સ્પેક્ટર મેહુલ પરમાર અને સુપરવાઇઝર પંકજ ગરણીયા તેમની સમગ્ર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. નગરપાલિકાની ટીમે જેસીબી મશીનની મદદથી તમામ અસરગ્રસ્ત જગ્યાઓ પર યુદ્ધના ધોરણે પાણીના નિકાલની વ્યવસ્થા કરી નાગરિકોને રાહત અપાવી હતી. નીચાણવાળા કોઝવે અને પુલ પરથી પાણી ફરી વળતાં તેમજ મુખ્ય માર્ગો પર પાણી ભરાતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે.